કોલકત્તા: પશ્ચિમ બંગાળના ઉત્તર કોલકત્તાના ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે રાત્રે ભાગદોડમાં 19 લોકોના મોત અને 25 અન્ય ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ, ઘાયલોને સારવાર માટે કોલકત્તા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને રાજ્યના આરોગ્ય પ્રધાન શારદાવત મુખર્જીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પશ્ચિમ બંગાળ સરકારે મૃતકોના પરિવારજનોને રૂ.25 લાખની નાણાકીય સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. પોલીસે ચોરબાગન દુર્ગા પૂજાના આયોજકો, ખાનગી સુરક્ષા ગાર્ડ અને ફરજ પરના સ્ટાફની પૂછપરછ માટે અટકાયત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ખૂબ જ દુ:ખદ ગણાવી હતી અને મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખ અને ઘાયલોને રૂ.50,000 ની સહાયની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ પણ કોલકત્તામાં દુર્ગા પંડાલમાં ભાગદોડમાં થયેલા જાનહાનિ પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. સરકાર શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહી છે. અમે સતત કામ કરી રહ્યા છીએ, અને અમે વળતરની પણ જાહેરાત કરી છે. અસરગ્રસ્ત પરિવારોના 13 સભ્યોને મળ્યા અને સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને તથ્ય શોધ સમિતિની રચના કરવાની વિનંતી કરીશ. આ સમિતિમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને ફોરેન્સિક ટીમોનો સમાવેશ થશે. અમે તે મુજબ તપાસ કરીશું.













