• 57 મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ
  • MSMEને મોટી રાહત આપવામાં આવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે નવી દિલ્હી ખાતે યોજાયેલી 57 મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વેપારીઓ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મોટા અને રાહતરૂપ નિર્ણયો લેવાય છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ટેક્સ કમ્પ્લાયન્સ સરળ બનાવવાનો, વ્યાપારી અવરોધો દૂર કરવાનો અને બિનજરૂરી ફોજદારી કાર્યવાહી પર રોક લગાવવાનો રહ્યો હતો. કાઉન્સિલે કર અધિકારીઓની મનસ્વી ધરપકડ સત્તા પર લગામ લગાવવાની સાથે જ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની લઘુતમ મર્યાદા રૂ. 1 કરોડથી વધારીને રૂ. 5 કરોડ કરવા માટે મંજૂરી આપી હતી. આ પગલું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા અને વેપારીઓની વર્કિંગ કેપિટલની સમસ્યા દૂર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, નાણામંત્રીઓ અને કેન્દ્રીય નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલા મુખ્ય વહીવટી અને પ્રક્રિયાગત સુધારાઓ નીચે મુજબ છે:

  • ધરપકડ સત્તાઓ પર નિયંત્રણ: નિર્ધારિત કેસોમાં જીએસટી અધિકારીઓની મનસ્વી ધરપકડ કરવાની સત્તાઓ નાબૂદ અથવા મર્યાદિત કરવામાં આવી છે.
  • ફોજદારી કાર્યવાહીની મર્યાદામાં વધારો: ફોજદારી કેસ દાખલ કરવાની ન્યૂનતમ મર્યાદા રૂ. 1 કરોડથી વધારીને રૂ.5 કરોડ કરવામાં આવી છે, જેથી સામાન્ય કે બિન-ગંભીર કર બાબતોમાં ક્રિમિનલ કાર્યવાહીનું જોખમ ઘટશે.
  • શૉ-કોઝ નોટિસ માટેની મર્યાદા : કર નોટિસ આપવાની પ્રક્રિયાને વ્યવસ્થિત કરવા માટે શૉ-કોઝ નોટિસ આપવા હેતુ ઓછામાં ઓછી રૂ.10,000ની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
  • રાઇડર ડિલિવરી સેવાઓ પર ટેક્સ ઘટાડો: અનરજિસ્ટર્ડ રાઇડર ડિલિવરી સેવાઓ પર જીએસટીનો દર 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
  • ઈ-કોમર્સ વિક્રેતાઓને સુવિધા: આશરે 9.5 લાખ નાના વિક્રેતાઓને દરેક રાજ્યમાં ભૌતિક ઉપસ્થિતિ વગર પ્લેટફોર્મ વેરહાઉસને વ્યવસાયના સ્થળ તરીકે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવી છે.