Sun,08 September 2024,5:37 am
Print
header

ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર

અમદાવાદઃ ગુજરાતમાં બુધવારે ભારે વરસાદ થયો હતો જેના કારણે નદીઓમાં પાણીના સ્તર વધ્યાં હતા અનેક ડેમમાંથી પાણી બહાર આવવા લાગ્યું હતું. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 8 લોકોનાં મોત થયા છે અને 800 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે. વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ જેવા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું, જેના કારણે કેટલીક જગ્યાએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવી પડી હતી. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં રેલ સેવા પણ પ્રભાવિત થઈ હતી.

અધિકારીએ શું કહ્યું ?

રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે ગુજરાતના ઘણા ભાગોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે 8  લોકોનાં મોત થયા છે. અમે આ સમયગાળા દરમિયાન 826 લોકોને સલામત સ્થળે ખસેડ્યાં છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની 20 ટીમો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 11 ટીમો તૈનાત કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઘણા જિલ્લાઓમાં વ્યાપક વરસાદ અને અત્યંત ભારે વરસાદના 'રેડ એલર્ટ'ને ધ્યાનમાં રાખીને કંટ્રોલ રૂમ પરિસ્થિતિ પર નજર રાખવા અને ફસાયેલા લોકોને મદદ કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યાં છે.

સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો છે

રાજ્યના તમામ 206 મોટા ડેમોમાં પાણીનો નવો પ્રવાહ આવ્યો છે, ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ હવે 54 ટકા ભરાઈ ગયો છે. વરસાદથી પ્રભાવિત વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ જિલ્લામાં, વહીવટીતંત્રે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બચાવવા અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે NDRF, SDRF અને સ્થાનિક ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત કર્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા અનુસાર આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 12 કલાકના સમયગાળામાં (સવારે 6 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે) 354 મીમી વરસાદ નોંધાયો છે.

લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બાદ ઘણા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે, બોરસદ પછી નર્મદા જિલ્લામાં તિલકવાડા (213 મીમી), વડોદરામાં પાદરા (199 મીમી), વડોદરા તાલુકા (198 મીમી), ભરૂચ તાલુકા (185 મીમી), છોટાઉદેપુરમાં નસવાડી (156 મીમી) અને નર્મદા જિલ્લામાં નાંદોદ (143 મીમી) વરસાદ નોંધાયો છે. એનડીઆરએફની એક ટીમ પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથધરી છે.

ઘણા ગામો સાથે સંપર્ક તૂટી ગયો

મંગળવારે સુરતમાં ભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાઈ ગયું હતું અને ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા, અસરગ્રસ્ત સ્થળોએથી લગભગ 200 લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી હતી. ભરૂચ અને નવસારીમાં ભારે વરસાદના પગલે વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. NDRFના જવાનોની એક ટીમ ફસાયેલા લોકોને બચાવવા માટે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લિંબાડા પહોંચી હતી.

સાવચેતીના પગલાન લઇને જિલ્લામાં 132 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના અધિકારીએ જણાવ્યું હતું કે 11 લાંબા-અંતરની એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન પુનઃશિડ્યુલ કરવામાં આવ્યું છે, જ્યારે વડોદરા ડિવિઝનમાં રેલ્વે બ્રિજ નીચે પાણીનું સ્તર વધવાને કારણે 4 લોકલ પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch