Sat,23 November 2024,10:50 am
Print
header

મોદીના પરિવારમાં બળવાની શરૂઆત અમરેલીથી ! સંઘાણી બાદ હવે સાંસદ નારણ કાછડિયાએ કહ્યું અમારી ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે

અમરેલીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની કામ કરવાની પદ્ધતિને લઇને ભાજપના અનેક સિનિયર નેતાઓ નારાજ છે, ટિકિટ વહેંચણીમાં પણ કોંગ્રેસમાંથી આવેલાઓને ટિકિટ મળી જાય અને ભાજપના લોકો માત્ર ખુરશીઓ જ સાફ કરતા દેખાયા, આવી સ્થિતી બાદ હવે ભાજપમાંથી જ બળાપો સામે આવ્યો છે, અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભાજપની કામગીરી સામે જાહેરમાં જ સવાલ ઉઠાવ્યાં છે.

કાછડિયાની ટિકિટ ન મળતા તેઓ પહેલાથી જ નારાજ હતા, તેમને કહ્યું કે હું 40 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલો છું.પરંતુ કોંગ્રેસમાંથી આવેલા લોકોનો વટ થઇ જાય છે અને જૂના કાર્યકતોએ તેમની પાછળ બેસવાનો વારો આવે છે. હવે પાર્ટીમાં બહારથી આવેલાઓનો દબદબો વધી રહ્યો છે.અમરેલી લોકસભામાં દોઢ લાખ જેટલા મતો ઓછા પડ્યાં છે, જે ભાજપ અને પાટીલની પેજ કમિટિની વાતોનો ફિયાસ્કો છે.

કાછડિયાએ રોષ ઠાલવતા કહ્યું કે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર મામલે 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઊંધાડ, ડો.કાનાબાર, હિરેન હીરપરા જેવા ભાજપમાં મજબૂત ચહેરાઓ હોવા છંતા પાટીલ અને ભાજપે ગુજરાતીમાં thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપીને ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે. અહીં ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપી છે, જેમની સામે કોંગ્રેસના જૈનીબેન ઠુમ્મર ઉભા હતા.

દિલીપ સાંઘાણી અને જયેશ રાદડિયાએ પણ ભાજપને આપ્યો જવાબ

સી.આર.પાટીલ કરતા ભાજપમાં સિનિયર નેતા, પૂર્વ મંત્રી અને આજે જેઓ ફરીથી ઇફ્કોના ચેરમેન બન્યાં છે તેવા દિલીપ સંઘાણી પણ હવે મેદાનમાં છે, પાટીલે કહ્યું હતું કે સહકારી વિભાગમાં કોંગ્રેસ સાથે મળીને તેમના નેતાઓ ઇલુ ઇલુ કરે છે તે ચલાવી નહીં લેવાય, તો સંઘાણીએ કહ્યું કે ગમે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓ નેતાઓને ટિકિટ મળી જાય છે અને ભાજપના કાર્યકર્તાઓએ ચૂપ થઇને બેસી રહેવું પડે છે. વર્ષોની મહેનત છંતા પાર્ટીમાં બહારથી આવેલાઓને મોટા પદ મળી જાય છે.

જયેશ રાદડિયાએ ભાજપના બિપિન પટેલને હરાવ્યાં

ઇફ્કોમાં ત્રીજી વખત ડિરેક્ટર બનેલા પૂર્વ મંત્રી અને જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાને હટાવવા ભાજપના જ એક જૂથે જોરદાર ષડયંત્રો કર્યાં હતા. પરંતુ સ્વતંત્ર રીતે ચૂંટણી લડીને રાદડિયાએ ભાજપના મેન્ડેટ સાથે આવેલા બિપીન પટેલને હરાવી દીધા, જ્યારે પાટીલ પણ અહીં કંઇ કરી શક્યા નથી, અમિત શાહના નજીકના બિપીન પટેલને ઘરભેગા કરી દીધા, હવે ભાજપ શિસ્તભંગના નામે જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરવાની હિંમત ધરાવે છે કે નહીં તે જોવાનું રહ્યું.

દિલીપ સંઘાણી પર બિપીન પટેલનો કટાક્ષ

સંઘાણીએ કહ્યું હતુ કે સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું હિત પહેલા જરૂરી છે, તેમને જયેશ રાદડિયાને સપોર્ટ કરતા બિપીન પટેલ નારાજ દેખાયા છે, દિલીપ સંઘાણી આજે ઇફ્કોના ચેરમેન બન્યાં તો બિપીન પટેલે કટાક્ષ કર્યો કે તેઓ ધારાસભ્યની ચૂંટણી જીતી શક્યા હોત તો સારૂ, સંઘાણી અગાઉ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. આમ હવે મોદીના પરિવારમાં જ ભાજપના નેતાઓ અંદરો અંદર લડી રહ્યાં છે અને બળવાની સ્થિતી સ્પષ્ટ દેખાઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch