Wed,13 November 2024,11:30 am
Print
header

ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કર્યાં તો માંગ ઉઠી કે ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારીઓ અને પાર્ટીના ગદ્દારોને હટાવો

ઊંઝા એપીએમસીની ચૂંટણીની તડામાર તૈયારીઓ

ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરવાની ઉઠી માંગ

કરોડો રૂપિયાનું સેસ કૌભાંડ ફરીથી આવ્યું ચર્ચામાં

ઊંઝાઃ એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ઊંઝા એપીએમસીની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, અહીં ત્રણ જેટલા જૂથો એપીએમસી પર કબ્જો કરવા તનતોડ મહેનતમાં લાગી ગયા છે, મંડળીઓ પણ મંજૂર કરી દેવામાં આવી છે, આ બધાની વચ્ચે હવે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે, તેમની સાથે બીજા 4 નેતાઓને પણ પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ ઘરભેગા કરી નાખવામાં આવ્યાં છે, ત્યારે હવે સોશિયલ મીડિયામાં ઊંઝા એપીએમસીની ચૂંટણીને આ ઘટના સાથે જોડી દેવામાં આવી છે.

ઊંઝા એપીએમસી ચૂંટણીને લઇને શું કરાઇ રહી છે માંગ ? સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ

ભાજપની એક ખાસિયત છે કે પાર્ટી વિરોધી નિવેદનો કરનારાઓ અને પાર્ટી વિરોધી કામ કરનારાઓ સામે ચોક્કસથી કાર્યવાહી કરાય જ છે, ભાજપ શિસ્તબંધ પાર્ટી છે અને આ શિસ્ત જાળવી રાખવામાં આવે છે, જો કે ઘણા કિસ્સાઓમાં ભ્રષ્ટાચારીઓ સામે જરૂરી કાર્યવાહી કરાતી નથી અને ફરિયાદોની ફાઇલો ધૂળ ખાતી કરી દેવામાં આવે છે, આવા તો અનેક કિસ્સાઓ એશિયાના સૌથી મોટા એપીએમસી માર્કેટના છે, પૂર્વ હોદ્દેદારો દ્વારા અહીં કરોડો રૂપિયાનું સેસ કૌભાંડ કરી નાખવામાં આવ્યું હોવાની ઉચ્ચ કક્ષાએ ફરિયાદો થઇ છે, સીએમઓ અને પીએમઓ સુધી આ કૌભાંડના પુરાવા પહોંચી ગયાની વાત હવે જૂની છે, પરંતુ આજદિન સુધી કૌભાંડીઓ સામે રાજ્ય સરકારે કોઇ પગલા ભર્યાં નથી, હવે જ્યારે પાટીલનો પાવર ઉતારવાનું કહેનારા માવજી પટેલને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે ત્યારે સોશિયલ મીડિયામાં માંગ ઉઠી છે કે ઊંઝા એપીએમસીના કૌભાંડીઓને મેન્ડેડ ન આપીને ઘરભેગા કરો અને પોતાની શિસ્ત દેખાડો, એપીએમસીનો વહીવટ પારદર્શી અને ખેડૂતોને ફાયદો થાય તેવો બનાવવા માટે ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા ઘરભેગા કરનારાઓ સામે સખત કાર્યવાહી જરૂરી છે.

શું છે ઊંઝા એપીએમસીનું સેસ કૌભાંડ ?

માર્કેટમાં કરોડો રૂપિયાની સેસની આવક થતી હોય છે જે રૂપિયા કેટલાક પૂર્વ પદાધિકારીઓએ માર્કેટમાં જમા કરાવવાના બદલે સંબંધીઓ સાથે મળીને ઘરભેગા કર્યાં હતા, આ કૌભાંડના અનેક વીડિયો સહિતના પૂરાવા અગાઉ પણ મીડિયામાં આવ્યાં હતા, આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઇ છે, આ રૂપિયા રિકવર કરીને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. તેમ છંતા આ મામલે સહકારી વિભાગ કે રાજ્ય સરકારે કોઇ યોગ્ય કાર્યવાહી ન કરતા સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. જે ભાજપ ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવાની વાતો કરે છે તે જ સરકાર લાખો ખેડૂતોના હિતો સાથે છેડછાડ કરી રહી હોવાના આક્ષેપો લાગી રહ્યાં છે, ભ્રષ્ટાચાર કરનારાઓ સામે ઊંઝામાં સ્થાનિક કક્ષાએ પણ જોરદાર રોષ છે, તેમ છંતા ભ્રષ્ટાચારીઓ ભાજપના મેન્ડેડ પર ફરીથી ચૂંટણી જીતીને એપીએમસી પર કબ્જો કરવાના સપના જોઇ રહ્યાં છે, ત્યારે જો આવા ભ્રષ્ટ લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાજપ અને રાજ્ય સરકારની ઇજ્જતના આ વખતે ધજાગરા ઉડવાના છે તે નક્કિ છે.

અનેક બોગસ મંડળીઓને રદ્ કરી નાખવામાં આવી

કેટલાક જાગૃત વેપારીઓ અને ભાજપના જ હોદ્દેદારોની ઇમાનદારીને કારણે એપીએમસીના પૂર્વ હોદ્દેદારો અને કૌભાંડીઓને મોટો ફટકો પણ લાગ્યો છે, કેટલીક બોગસ મંડળીઓ કે જેનો ઉપયોગ ચૂંટણી પુરતો માત્ર વોટબેંક માટે કરવામાં આવતો હતો, તેવી મંડળીઓ સામે ફરિયાદો મળ્યાં પછી તેમને રદ્ કરી નાખવામાં આવી છે, જેથી હવે તેમને મતદાનનો અધિકાર મળશે નહીં, કેટલાક કૌભાંડીઓ દ્વારા એપીએમસી પર કબ્જો કરવા આવા ગોરખધંધા કરવામાં આવી રહ્યાં હતા. પરંતુ આ કહેવાતા ભાજપના નેતાઓના ચહેરા હવે ખુલ્લા પડી ગયા છે. ત્યારે હવે ભાજપના હોદ્દેદારો, વેપારીઓ અને ખેડૂતોની માંગ છે કે આ વખતની ચૂંટણીમાં ભ્રષ્ટાચારીઓને ભાજપ ઘરભેગા કરીને ભ્રષ્ટાચાર સામેની લડત મજબૂત બનાવે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch