Sat,16 November 2024,5:08 am
Print
header

હાર્દિકે કોંગ્રેસની ઝાટકણી કાઢી નાખી, કોંગ્રેસે મોદી સરકારનો વિરોધ કરવા સિવાય દેશ માટે કંઇ ન કર્યું- Gujarat Post

( હાર્દિક પટેલે લખેલો લેટર)

  • છેલ્લા થોડા સમયથી જાહેરમાં નારાજગી વ્યક્ત કરનારો હાર્દિક તાજેતરમાં ભાજપ નેતાઓ સાથે જોવા મળ્યો હતો
  • નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરી ચુક્યો છે હાર્દિક

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વથી નારાજ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. આ અંગે તેણે સોનિયા ગાંધીને લેટર લખ્યો છે. તેણે લખ્યું છે,

શ્રીમતી સોનિયા ગાંધી જી,

વિષય: કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવા બાબતે.

ઘણા પ્રયત્નો પછી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશ અને સમાજના હિતની તદ્દન વિરુદ્ધના કાર્યોને કારણે કેટલીક બાબતો તમારા ધ્યાન પર લાવવી અત્યંત જરૂરી બની ગઇ છે.

આ 21મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોને સક્ષમ અને મજબૂત નેતૃત્વ જોઈએ છે. છેલ્લા 3 વર્ષમાં મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત રહી ગઈ છે, દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની હોય, દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઇચ્છતો હતો, કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી છે. ભારત હોય, ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું છે, દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે, કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજૂ કરી શક્યું નથી.

કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે.હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અને અન્ય બાબતો પર વધારે રહેતું. જયારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય. કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જુએ.

દુઃખ થાય છે જયારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઇને રોજના 500-600 કિમીનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે, લોકોની વચ્ચે જાય છે ત્યારે ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે, માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી છે કે નહીં. હું જ્યારે પણ યુવાનો વચ્ચે જતો ત્યારે બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું જ અપમાન કરે છે. પછી ભલે તે ઉધોગ ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્રમાં હોય કે પછી તે રાજકારણના ક્ષેત્રમાં હોય.મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવાનોનો ભરોસો તોડ્યો છે, જેને કારણે આજે કોઇ યુવા કોંગ્રેસ સાથે પોતાને જોવા પણ નથી માંગતો.

થોડા સમય પહેલા રાહુલ ગાંધી દાહોદ આવ્યાં ત્યારે સભામાં જીગ્નેશ મેવાણીના ભરપેટ વખાણ કર્યાં હતા પરંતુ હાર્દિક માટે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. જેના પરથી તે કોંગ્રેસ છોડશે તેવી વાતો વહેતી થઈ હતી અને હાર્દિકે કોંગ્રેસની ઝાટકણી કાઢીને પાર્ટી છોડી દીધી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch