Fri,15 November 2024,6:25 pm
Print
header

કેન્યાઃ નૈરોબીમાં પાકિસ્તાની ટીવી એન્કર અરશર શરીફનું મોત, તેમના પર ચાલતો હતો દેશદ્રોહનો કેસ- Gujarat Post

નૈરોબીઃ કેન્યાની રાજધાની નૈરોબીમાં માર્ગ અકસ્માતમાં પાકિસ્તાની પત્રકાર અને ટીવી એન્કર અરશદ શરીફનું મોત થયું છે. શરીફના મોતથી પાકિસ્તાની મીડિયામાં શોકની લાગણી છે. હાલમાં જ તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે.

પત્રકાર અરશદ શરીફ પાકિસ્તાનના જાણીતા ટીવી શોના એન્કર હતા. જિયો ન્યૂઝને ટાંકીને ધ ન્યૂઝ ઇન્ટરનેશનલે અરશદના મોતની જાણકારી આપી છે. અરશદ અગાઉ પાકની એઆરવાય ન્યૂઝ સાથે સંકળાયેલા હતા. ચેનલ છોડ્યા બાદ તેઓ દુબઈ ચાલ્યાં ગયા હતા અને અહીંથી કામ કરતા હતા.

થોડા દિવસ પહેલા અરશદ શરીફ લંડનમાં જોવા મળ્યા હતા. તેમના નિધનના સમાચાર ફેલાતા જ પાકિસ્તાની મીડિયામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા શોક સંદેશાઓથી છલકાઈ ગયું છે. શાસક પીએમએલ-એન નેતા હિના પરવેઝ બટે અરશદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઇમરાન ખાનની પીટીઆઇના નેતાઓ અલી ઝૈદી અને સલમાન ઇકબાલે પણ દુખ વ્યક્ત કર્યું છે.

ઓગસ્ટમાં સરકારે પાકિસ્તાની ચેનલ એઆરવાયનું પ્રસારણ બંધ કરી દીધું હતું. પાકિસ્તાન પોલીસે ચેનલ પર એક કાર્યક્રમમાં વિપક્ષી નેતા શાહબાઝ ગિલના કેટલાક વિવાદાસ્પદ નિવેદનોના પ્રસારણના સંદર્ભમાં ચેનલના વડા કો અમ્માદ યુસુફની ધરપકડ કરી હતી, પ્રોડયુસર અદીલ રાજા, એન્કર અરશદ શરીફ અને ખાવર ગુમાન તેમજ સીઇઓ સલમાન ઇકબાલ સામે ગુનો નોંધાયો હતો. 

ન્યૂઝ ચેનલના 8 ઓગસ્ટના રોજ પ્રસારિત થયેલા બુલેટિનના સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પીટીઆઈના નેતા ગિલ પાકિસ્તાની સેના વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો આપતા જોવા મળ્યાં હતા. એફઆઈઆર અનુસાર એન્કર શરીફ અને ગુમાન આ કાર્યક્રમમાં એનાલિસ્ટ તરીકે હાજર હતા. તેમના પર આરોપ હતો કે તેમણે સશસ્ત્ર દળોમાં પાર્ટી પ્રત્યે નિષ્ઠા ધરાવનારા લોકો અને પાર્ટી પ્રત્યે નિષ્ઠા ન રાખનારા લોકોને ટીવી શો પર આ પ્રકારના મંતવ્યો આપીને ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch