Thu,21 November 2024,3:48 pm
Print
header

રાજકોટઃ સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથી પર આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા

(ફાઇલ ફોટો)

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા સ્વ. કેશુભાઈ પટેલની આગામી પુણ્યતિથી પર રાજકોટમાં સ્મરણાંજલી સભા યોજવામાં આવશે, ખેડૂત પુત્ર અને કલ્પસર યોજનાનાં સ્વપ્ન દ્રષ્ટા એવા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રીને અંજલી આપવા માટે સર્વે સમાજના આગેવાનો અહીં હાજર રહેશે.

સ્વ.કેશુભાઈ પટેલનું ઋણ અદા કરવા માટે પ્રથમ વાર 29 ઓક્ટોબર 2024 ના રોજ યોજાઈ રહેલી આ શ્રદ્ધાંજલી સભાને યાદગાર બનાવવા માટે સહભાગી થવા રાજકોટ અને સૌરાષ્ટ્રની તમામ લોકસેવાને વરેલી સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષને આમંત્રણ છે.

સૌરાષ્ટ્રની ધીંગી ધરાના અડીખમ નેતા સ્વ.કેશુભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથિ પર રાજકોટમાં વિશાળ શ્રદ્ધાંજલિ સભા દ્વારા તેમના વિરાટ વ્યક્તિત્વને અનુરૂપ તેમને અંજલી આપવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આ સ્વ.કેશુભાઈ પટેલની આગામી પુણ્યતિથી પર ઓકટોબર માસમાં સ્મરણાંજલી સભાનાં આયોજનને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અનેકાનેક યોજનાઓનાં માધ્યમથી લોક હૃદયમાં તેમનું કાયમી અને અમીટ સ્થાન અંકિત કરનાર સ્વ. કેશુભાઈ પટેલને આ ભવ્ય કાર્યક્રમ દ્વારા તેમનાં વિરાટ વ્યક્તિત્વને અનુરૂપ શ્રદ્ધાંજલી પાઠવવામાં આવશે. "આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા બિન રાજકીય રાખવામાં આવી છે, તમામ પક્ષનાં આગેવાનો રાજકારણથી ઉપર ઉઠીને તેમજ સર્વે જ્ઞાતિ - સર્વે સમાજનાં લોકો તેમનાં માટે આજીવન સમર્પિત લોક નેતાને એકીસાથે શ્રદ્ધાંજલિ આપી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના પાટીદાર નેતા ચિરાગ પટેલ અને જિજ્ઞેશ કાલાવાડિયાએ જણાવ્યું કે આ કાર્યક્રમ દરમિયાન આખો દિવસ વિવિધ ટેબ્લો કે પ્રદર્શનોનાં માધ્યમથી સ્વ. કેશુભાઈ પટેલની સ્મૃતિને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે તેમણે કરેલા કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. સ્વ. કેશુભાઈ પટેલની આ સ્મરણાંજલિ સભામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ. કેશુબાપા સાથે રાજકીય- સામાજિક અને સેવાકીય ક્ષેત્રોમાં સાથે કામ કરી ચૂકેલા મહાનુભાવો તેમની સાથેની સ્મૃતિને ફરી લોકો સમક્ષ તાજી કરશે.

ગુજરાતના પનોતા પુત્ર અને ખેડૂત અને ખેતીનું હિત સદા હૃદયમાં રાખનાર આ ધરતી પુત્રને કાયમી યાદગીરી સ્વરૂપે આપણે યાદ કરી શકીએ તે બાબતે પણ આ સ્મરણાંજલિ સભામાં સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવશે. સ્વ. કેશુભાઈ પટેલની આ ભવ્યાતિ ભવ્ય સ્મરણાંજલિ સભાનાં આયોજનમાં સહભાગી થવા અને તેને લઈને યોગ્ય સૂચનો માટે સર્વે સમાજનાં વ્યક્તિ ને તેમજ સૌરાષ્ટ્રની તમામ સંસ્થાઓને પણ આ તકે ખુલ્લું આમંત્રણ આપવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch