Thu,19 September 2024,6:26 am
Print
header

બાયડઃ સ્વામીનારાયણ સંપ્રદાયના ચાર ઠગ સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર, કરોડોની છેતરપિંડી આચરીને થયા ફરાર

અરવલ્લીઃ સ્વામીનારાયણ સંપ્રદાયના ચાર ઠગ સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. બાયડ તાલુકાના લીંબ ગામમાં ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂા. 3.4 કરોડની છેતરપિંડી કરી છે. વોન્ટેડ સ્વામીનારાયણ સંપ્રદાયના ચારેય સ્વામી વિદેશ ભાગી ન જાય તે માટે રાજકોટની ઇઓડબલ્યુની ટીમે 4 સપ્ટેમ્બરના રોજ લૂકઆઉટ નોટીસ જારી કરી છે.

રાજકોટના જસ્મીન માઢક નામના વ્યક્તિએ પોલીસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સ્વામીઓ પર મંદિર બનાવવાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાંના આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સ્વામીઓ પર મંદિર બનાવવા માટે જગ્યા જોઈતી હોવાનું કહી કારસ્તાન કર્યાના આરોપ છે. રાજકોટના ઠગ જે.કે.સ્વામી, વી.પી.સ્વામી, એમ.પી.સ્વામી અને દેવપ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે કે તેમણે મંદિર બનાવવા માટે જગ્યા જોઈતી હોવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે. સાથે જ જસ્મીન માઢકે રૂપિયાની લેતી-દેતીના વીડિયો રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યાં છે.

આ કેસમાં ઇઓડબલ્યુની ટીમે સુરત રહેતા શિક્ષક લાલજી ઢોલા, ગાંધીનગરના પીંપલેજ ગામના ભૂપેન્દ્ર પટેલ અને અરવલ્લીના લીંબ ગામના વિજયસિંહ ચૌહાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધા છે.

માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી સામે વિરમગામ ટાઉન પોલીસમાં રૂ. 74.50 લાખની છેતરપિંડી અને સુરતના ઉતરાણ પોલીસ મથકમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાઇ છે.

જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે. સ્વામી સામે સુરતના વરાછામાં રૂ. 1.34 કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમ બ્રાંચમાં પણ 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સામે આણંદમાં રૂ. 3.22 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ચારેય ઠગ સ્વામીઓ હાલ ફરાર થઇ ગયેલ છે. તેમની શોધખોળ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch