Tue,17 September 2024,1:42 am
Print
header

બાંગ્લાદેશ સળગ્યું...હિંસાને કારણે 100 થી વધુ લોકોનાં મોત, દેશમાં અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર

બાંગ્લાદેશમાં અનામત સામે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. બાંગ્લાદેશ સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી સમગ્ર બાંગ્લાદેશમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી. તાજેતરની આ હિંસામાં 100 થી વધુ લોકોનાં મોત થયા છે. દરમિયાન દેશમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સતત વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. 

સિરાજગંજમાં ચાર, મુન્શીગંજમાં ત્રણ, બોગુરામાં ત્રણ, મગુરામાં ત્રણ, ભોલામાં ત્રણ, રંગપુરમાં ત્રણ, પબનામાં બે, સિલ્હેટમાં બે, કોમિલ્લામાં એક, જયપુરહાટમાં એક, ઢાકામાં એક સહિત 100 થી વધુ લોકોનાં મોત થયા છે. બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયે રવિવારે સાંજે 6 વાગ્યાથી સમગ્ર દેશમાં કર્ફ્યુની જાહેરાત કરી છે. કર્ફ્યુ દરમિયાન ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યાં છે.

વિદેશ મંત્રાલયે ઈમરજન્સી મદદ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે

બાંગ્લાદેશમાં વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરવાની સખત સલાહ આપવામાં આવે છે. બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને પણ સાવધાની રાખવી અને કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે ઈમરજન્સી ફોન નંબર 8801958383679, 8801958383680, 8801937400591 દ્વારા સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

શેખ હસીનાએ બેઠક બોલાવી

રવિવારે સત્તાધારી અવામી લીગના વિરોધીઓ અને સમર્થકો વચ્ચેની અથડામણમાં અનેક લોકોનાં મોત થયાના અહેવાલ છે. આ સિવાય બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં હજારો લોકો એકઠા થયા હતા અને શેખ હસીનાના રાજીનામાની માંગ કરી છે. અહેવાલ છે કે શેખ હસીનાએ તેમના ખાનગી નિવાસસ્થાન ગણ ભવનમાં રાષ્ટ્રીય સમિતિની બેઠક બોલાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો વિરોધના નામે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ આવા લોકોને કડક જવાબ આપે.

બાંગ્લાદેશમાં અનામતનો વિરોધ થઈ રહ્યો છે, તેમાં ઘણા લોકોનાં મોત થયા છે. શનિવારે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મુખ્ય માર્ગોને ઘેરી લીધા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિવાદાસ્પદ અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યાં છે. આ અંતર્ગત વર્ષ 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ વાત કરવાની ના પાડી

આ પહેલા શનિવારે વડાપ્રધાન શેખ હસીનાએ વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો સાથે મુલાકાત કરી હતી. શેખ હસીનાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વાતચીત માટે પોતાના ખાનગી આવાસ પર બોલાવ્યાં હતા. જો કે, વિરોધીઓએ પીએમ સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. વિદ્યાર્થીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch