Sun,08 September 2024,8:36 am
Print
header

ફિલ્મી સ્ટાઈલમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે 5 જગ્યાએ પાડ્યાં દરોડા, સ્કૂલબેગમાંથી મળ્યું ડ્રગ્સ, 10 લોકોની ધરપકડ

સુરતઃ પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે લાંબા સમયથી No Durgs in Surat City અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મુંબઈના ગોવંડી ખાતે રહેતી રાબિયા શેખ નામની મહિલા ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ લઈને સુરત આવી રહી છે. પોલીસે સુરત રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને મુંબઈથી ટ્રેનમાં આવેલા રાબિયા અને તેના સાથી શફીક ખાન પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે રાબિયાની સ્કૂલ બેગમાં કપડાની વચ્ચે છુપાવેલું 250 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બંનેની પૂછપરછ કરતાં પોલીસે કેટલાક ડ્રગ્સ પેડલરોના નામ અને સરનામાં પણ મેળવ્યા હતા જેઓ સુરતમાં ડિલિવરી લઈને વેચતા હતા.

રાબિયા અને શફીકની પૂછપરછ બાદ પોલીસે દરોડા પાડ્યાં હતા

રાબિયા અને શફીક પાસેથી માહિતી મળ્યાં બાદ પોલીસે 5 જગ્યાએ દરોડા પાડ્યાં હતા. મોહસીન શેખ, સરફરાઝ ઉર્ફે સલમાન અને ફૈઝલ નામના ત્રણ આરોપીઓની શોધખોળ કરતી વખતે જ્યારે પોલીસ પાલ વિસ્તારમાં આવેલી કાચા મરીના હોટલના રૂમ નંબર 404 પર પહોંચી ત્યારે તેમને ત્યાં સરફરાઝ ઉર્ફે સલમાન મળી આવ્યો હતો. ચેકિંગ દરમિયાન તેની પાસેથી 28 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. રાંદેર વિસ્તારમાં આવેલી રામા રેસીડેન્સી પાસેના રોડ પરથી ફૈઝલ અલ્લારખા અને યાસીન બાબુલ મુલ્લાની 31 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મોહસીન શેખ તેના મિત્ર અશફાક શેખના ઘરે છુપાયો હોવાની માહિતી મળતાં જ પોલીસે ત્યાં પણ દરોડા પાડ્યાં હતા.

આરોપીએ બિલ્ડિંગની છત પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો

અશફાકે એક ઈમારતની છત પરથી બીજી ઈમારત પર કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો અને ઈજાગ્રસ્ત પણ થયો હતો. અશફાકને તુરાંદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, તપાસ દરમિયાન તેની પાસેથી 14 ગ્રામ ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. પોલીસે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ સામે આસિફ સૈયદ ઉર્ફે બાબુની પણ ધરપકડ કરી હતી, તેની પાસેથી 27 ગ્રામ M.D પણ મળી આવ્યું હતું. આ રીતે સુરત ક્રાઈમ બ્રાન્ચે 5 સ્થળોએ દરોડા પાડીને 354.650 ગ્રામ ડ્રગ્સ અને 1.930 ગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો. આ કેસમાં ગોવંડીની રાબિયા બાનુ, યુપીના જૌનપુરના શફીક ખાન પઠાણ, ભરૂચના સરફરાઝ અને સલમાન તેમજ સુરતના ફૈઝલ અલ્લારખા કચરા, યાસીન બાબુલ મુલ્લા, અશફાક મોહમ્મદ યુનિસ શેખ અને આસિફ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી.

સુરત પોલીસ એક મહિનાથી વધુ સમયથી કામ રહી હતી

સુરત પોલીસ આ કેસમાં એક મહિનાથી વધુ સમયથી કામ કરી રહી હતી, આ ગુનેગારોની તમામ વિગતો એકઠી કરી હતી. રાબિયા સુરત આવવા માટે ઘણી વખત ટ્રેન, બસ અને રિક્ષા બદલતી હતી. આ વખતે પોલીસે રાબિયાની પાછળ શરૂઆતથી જ બે કોન્સ્ટેબલ તૈનાત કર્યા હતા જેથી તેની દરેક હિલચાલ પર નજર રાખી શકાય. ગુજરાત પોલીસની આ ઝુંબેશની અસર છે કે છેલ્લા 3 વર્ષમાં 9300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, જ્યારે છેલ્લા 3 મહિનામાં 2200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે અને તેમાં પણ સુરત પોલીસે સૌથી વધુ કેસ પકડ્યાં છે.

સુરત શહેરના દરેક ખૂણે-ખૂણે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે

No Durgs in Surat City અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા અલગ-અલગ પોલીસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. શહેરના દરિયા કિનારા અને અન્ય તમામ વિસ્તારોમાં કડક ચેકિંગ ચાલી રહ્યું છે અને ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની આસપાસના ફૂડ સ્ટોલ અને ફૂડ કોર્નર પર પણ ચેકિંગ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે જેથી યુવાનોને નશાની લતથી દૂર રાખી શકાય.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch