Thu,21 November 2024,4:24 pm
Print
header

Surat News: અમને દેવાદાર બનાવીને તુ કેનેડામાં સ્થાયી થઇ ગયો, માતા-પિતાએ 4 પાનાની સ્યૂસાઇડ નોટ લખીને કરી આત્મહત્યા

સુરતઃ પરિવાર કે નજીકના વ્યક્તિથી અલગ થવું ખૂબ જ પીડાદાયક હોય છે. પરંતુ ઘણી વખત મજબૂરી પણ હોય છે, આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. અગાઉ સુરતમાં રહેતો અને ફાઇનાન્સનો ધંધો કરતો પુત્ર દેવામાં ડૂબી ગયો હતો. પિતાએ સંબંધીઓ પાસેથી લોન લઈને પુત્રનું દેવું ચૂકવી દીધું હતું. માતા-પિતાએ તેમના પુત્રને કેનેડા મોકલ્યો હતો, જેથી તે સારી કમાણી કરી શકે અને સારી જિંદગી જીવી શકે, પરંતુ કેનેડા જતાં જ પુત્રએ માતા-પિતાથી પીઠ ફેરવી લીધી હતી.

પુત્રએ ક્યારેય તેના માતા-પિતા સાથે બરાબર વાત પણ કરી નહીં, જેથી એક લાચાર માતા-પિતા હંમેશા ઉદાસ રહેતા હતા. પુત્રથી વિખૂટા પડવાને કારણે માતા-પિતાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. માતા-પિતાએ એક સ્યૂસાઇડ નોટ પણ છોડી છે, જેમાં તેમણે પોતાની દર્દનાક કહાની લખી છે. 

પુત્રના વિરહમાં માતા-પિતાએ આત્મહત્યા કરી

સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મીરા એવન્યું બિલ્ડીંગમાં રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડીયા અને તેમના પત્ની 64 વર્ષીય મુક્તાબેન ગેડીયાએ બુધવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર ચુનીભાઈના પુત્ર પિયુષને 4 વર્ષ પહેલા ફાઇનાન્સના વ્યવસાયમાં ખોટ વેઠવી પડી હતી. તેના પર 40 લાખ રૂપિયાનું દેવું હતું અને તે પિતાએ પુરુ કર્યું હતુ.

ચુનીભાઈએ સંબંધીઓ પાસેથી પૈસા લઈને પિયુષનું દેવું ચૂકવી દીધું હતું. જે બાદ પિયુષ કેનેડામાં સ્થાયી થઇ ગયો હતો. અહીં પુત્રની લોન ચુકવવા પિતા પોતે જ દેવાદાર બની ગયા હતા. પિયુષ તેના પિતાને કોઈ આર્થિક મદદ કરતો ન હતો. તેમની સાથે ફોન પર યોગ્ય રીતે વાત પણ કરતો ન હતો. પિયુષના આ વર્તનથી માતા-પિતા બંને ખૂબ જ ચિંતિત હતા. આ જ કારણ હતું કે પુત્રના વિરહને કારણે બંનેએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.

સ્યૂસાઇડ નોટમાં લખ્યું- અંતિમ સંસ્કાર પર ખર્ચ કરશો નહીં

આપઘાત કરતા પહેલા ચુનીભાઈએ પુત્રના નામે ચાર પાનાની નોટ છોડી હતી. આ અંગે દર્દ વ્યક્ત કરતાં તેમને પિયુષ અને તેમના બીજા પુત્ર સંજય અને તેની સાથે કેનેડામાં રહેતી પુત્રવધુનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને મૃત્યું બાદ અંતિમ સંસ્કારમાં પૈસા ખર્ચ ન કરવાની વાત લખી છે.

તેમના પુત્ર અને પુત્રવધુ દ્વારા તેમની સાથે કરવામાં આવતા ખરાબ વ્યવહારનો ઉલ્લેખ કર્યો છે. મૃતક ચુનીભાઈએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે તેઓના માથે રૂપિયા 40 લાખનું દેવું છે. તે લોન ચૂકવી શકતા નથી. આજે હું 65 વર્ષનો છું, તેથી અત્યારે હું કામ પણ કરી શકતો નથી. મારી પાસે કોઈ કામકાજ પણ નથી, જેના કારણે હું આવું પગલું ભરી રહ્યો છું.

મારા પુત્ર પિયુષના કારણે મારો આવો સમય આવ્યો છે. પિયુષ દેવાદાર થઈ ગયો હતો. તેનું દેવું ચુકવવા માટે હું દેવામાં ડૂબી ગયો. મેં તેને મારા તમામ દાગીના અને મારી બચત આપી દીધી હતી. ત્યાર બાદ પુત્રએ મને કહ્યું કે મને વ્યાજના પૈસા અપાવો હું પરત કરી દઈશ. તેથી હું વ્યાજે રૂપિયા લાવ્યો હતો.

પિયુષ છેલ્લા 4 વર્ષથી કેનેડામાં રહે છે. આ સમયગાળા દરમિયાન તેણે મને એક વખત પણ ફોન કર્યો ન હતો. મેં પિયુષને બે વાર વીડિયો કોલ કર્યો, પણ તેણે ફોન ઉપાડ્યો નહીં. લેણદારો મારા પર કોઈ દબાણ નથી કરી રહ્યા. હું મારા મિત્રો અને સંબંધીઓનો ઋણી છું, પણ હવે મને શરમ આવે છે.

પુત્ર ચાર વર્ષથી કેનેડામાં રહે છે

હું ચિંતિત છું. મેં પિયુષને બધા પૈસા આપી દીધા છે હવે હું મિત્રો અને સંબંધીઓને પૈસા આપી શકતો નથી, તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. જેની પાસેથી પૈસા લીધા છે તેમને પરેશાન ન કરશો. કોઈએ મને ધમકી આપી નથી કે મારી પાસેથી કોઈ ઉઘરાણી પણ કરી નથી.

ચાર પાનાની આ સ્યૂસાઇડ નોટમાં ચુનીભાઈએ કેનેડામાં રહેતા પુત્ર પિયુષ વિશે લખ્યું છે કે, તારા કારણે હું અને મારો પુત્ર સંજય રસ્તા પર આવી ગયા છીએ. તે અમારી સાથે દગો કર્યો છે. ઠીક છે, કદાચ ભગવાનને આ મંજૂર હશે. વધુ કહ્યાં વિન…જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch