Tue,17 September 2024,2:22 am
Print
header

ગુજરાત સરકારની ખુલી પોલ... બનાસકાંઠા ઉપરાંત અન્ય જિલ્લાના શિક્ષકો પણ ચાલુ નોકરીએ વિદેશમાં કરી રહ્યાં છે જલસા

Gandhinagar: રાજ્યમાં બનાસકાંઠા સહિત અન્ય જિલ્લામાં સરકારી શાળામાં નોકરી-પગાર ચાલુ રાખી વિદેશગમન કરી ગયેલા શિક્ષકોનું કૌભાંડ ચાલી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે ફરજમાં ગુલ્લી મારી એક વર્ષ કરતા વધુ સળંગ ગેરહાજર રહેતા હોય તેવા કિસ્સા સામે આવ્યાં છે. અંબાજીના મહિલા શિક્ષિકા અમેરિકામાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. જિલ્લાના 5 શિક્ષકોને તાલુકા કક્ષાએ 3-3 વાર નોટિસો આપવા છતાં આ શિક્ષકો દ્વારા જવાબ આપવામાં ન આવતા હવે  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આખરી નોટિસો આપવામાં આવી છે. જો શિક્ષકો જવાબ રજૂ નહીં કરે તો તેમની સામે ફરજ મોકૂફીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બીજી તરફ કપડવંજ તાલુકાના એક શિક્ષકે તેમની નીચે એક વ્યકિતને ડમી શિક્ષક રાખ્યો હતો. આવો તો અહી્ં અનેક કિસ્સા છે. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ટર્મિનેશનની પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનાથી જ ચાલુ કરી દીધી છે જેમાં 8 જેટલા વિદેશ ગયેલા શિક્ષકોમાંથી 3ને 31.07.2024ના રોજ સર્વીસ ટર્મિનેટ કરી દેવામાં આવ્યાં છે. મહેસાણામાં પણ શિક્ષકોની ગેરહાજરીનો મામલો ચર્ચાસ્પદ છે. કડી તાલુકાની બે પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ એક વર્ષથી વિદેશમાં વસવાટ કરી રહ્યાં હોવાથી તેની અસર વિદ્યાથીઓના અભ્યાસ પર જોવા મળી રહી છે. વિદ્યાથીઓનું ભવિષ્ય અંધારામાં મૂકનારા આવા બેજવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

કડી તાલુકાના રણછોડપુરા પ્રાથમિક શાળાના કલાકાર તરીકે પોતાનું નામ બનાવી શિક્ષક બનેલા કવિતા દાસ એક વર્ષથી અમેરિકામાં હોવાનું સામે આવ્યું છે. બુડાસણ ગામે આવેલી પ્રાથમિક શાળાના આશાબેન પટેલ પણ વિદેશ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આમ રાજ્યના શિક્ષણ વિભાગની એક પછી એક નિષ્ફળતાઓ સામે આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch