Fri,22 November 2024,9:47 pm
Print
header

Part-3: GST કૌભાંડમાં નાણાંવિભાગની નિષ્ફળતાઓ જુઓ ! ઉચ્ચ અધિકારીઓને બચાવવા ગતકડાં શરૂ, આ રહ્યાં નવા પુરાવા

(સ્ટોરીઃ મહેશ. R પટેલ, એડિટર)

આ ટેક્સ ચોરીનું ગુજરાતનું સૌથી મોટું રસ્તા પરનું કૌભાંડ કહી શકાય

મહિને કરોડો રૂપિયાના હપ્તા કોના ખિસ્સામાં જઇ રહ્યાં છે ?

મોટી માછલીઓને બચાવી લેવાશે, નાના કર્મચારીઓની બદલીનો તખ્તો તૈયાર !

કૌભાંડીઓ સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ લાચાર ! નાણાં વિભાગના અધિકારીઓ પર આશંકાઓ

પાન-મસાલાની ગાડીઓના દલાલોએ વેરાભવનને બનાવી દીધો હતો અડ્ડો

ડમી મોબાઇલ નંબરો પણ આ માફિયાઓ જ અધિકારીઓને આપતા હોવાની આશંકા

ગાંધીનગરઃ માલ-સામાનની હજારો ગાડીઓ બિલ વગર રસ્તા પરથી બિંદાસ નીકળે અને તેમ છંતા ગાંધીનગરમાં બેઠેલા CMO ના અધિકારીઓ અને નાણાં વિભાગના અધિકારીઓને ગંધ પણ ન આવે તે વાત માન્યામાં આવે તેમ નથી, ઉચ્ચ લેવલના અધિકારીઓની સંડોવણી વગર આ મસમોટું કૌભાંડ શક્ય જ નથી, કૌભાંડ ઉજાગર કરનારને કેવો સબક શીખવી દેવો, તેના રસ્તા શોધવા કરતા આ કૌભાંડીઓને શું સજા આપવી તેના પર સચિવાલયના અને સ્ટેટ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કામ કરવું જોઇએ, બાકી અમે આવા કૌભાંડો ઉજાગર કરતા રહીશું અને તમે તેને દબાવવાના રસ્તાઓ શોધતા રહેજો..અમને તેનાથી કોઇ ફરક પડવાનો નથી. આ કૌભાંડનું સત્ય આજે તમારી સામે જ છે, તમારા ઉચ્ચ અધિકારીઓએ અમારી સ્ટોરી પછી શામળાજી દોડીને જવું પડ્યું છે અને સ્વીકારવું પડ્યું છે કે આ રાજ્ય વ્યાપી કૌભાંડ જ છે. સ્થાનિક માફિયાઓની મદદથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું.

(શામળાજી નજીકથી પસાર થતી તમાકુની ગાડીનો આ ફોટો તારીખ 24 ની રાતનો છે, આઇસર ગાડીનું બિલ પણ નથી, અમારા પર વિશ્વાસ ન હોય તો તમારા સોફ્ટવેરમાં જ તમે ચેક કરી લેજો)

24-06-24 ની રાત્રે 12 થી 2 વાગ્યા સુધી શામળાજીમાં શું ખેલ ખેલાયો ?

સરકારી તિજોરીમાં લૂંટ, તમાકુની ગાડીઓમાં પેટ્રોલિંગ, સંડોવણી કોની ?

તમારી મોબાઇલ સ્કવોર્ડના અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગો

ઉચ્ચ લેવલના અધિકારીઓની ઉંડી તપાસ કરો

મોબાઇલ સ્કવોર્ડની ગાડી નંબર- 8005 નું જીપીએસ ચેક કરો અને અધિકારીઓ રતનપુર પાસે શું કરી રહ્યાં હતા તે ચકાસો

24 જૂનની રાત્રે તમાકુ માફિયાઓ અહીં સક્રિય દેખાયા, સ્થાનિક દલાલની મદદથી તમાકુની ગાડીઓ નીકળી, આઇસર નંબર- GJ09-AU9468 (નુપૂર ટ્રાન્સપોર્ટ) અમે આ ગાડીનો ફોટો પણ મુકી રહ્યાં છીએ, આ ગાડી બિલ વગર વિજાપુરથી શામળાજી થઇને રાજસ્થાન જઇ રહી હતી અને તેની સાથે બીજી બે આઇસર પણ હતી, સાથે જ એક સ્કોર્પિયો, KIA કાર તમાકુથી ભરેલી ત્રણ ગાડીઓનું પેટ્રોલિંગ કરી રહી હતી, તમે વિચારો કે તમાકુની ટેક્સ ચોરીનું કૌભાંડ કેટલું મોટું છે, જેને લઇને લક્ઝુરિયર્સ ગાડીઓ તેનું પેટ્રોલિંગ કરી રહી હતી, GJ09-AU9468 નંબરની આ ગાડી જીએસટી મોબાઇલ સ્કેવોર્ડે પકડી છે કે નહીં, તે અમે નથી જાણતા જો એક ગાડી પકડી છે તો અન્ય બે ગાડીઓ ક્યાં છે ? તે પણ ઉચ્ચ અધિકારીઓએ પૂછવું જોઇએ, સ્ટેટ જીએસટી કમિશનરે અહીં રોડ પરના સીસીટીવી માંગીને આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઇએ. આ કેસની તટસ્થ તપાસ કરાવજો.

(NL-01 AC 9394 નંબરની આ ગાડી શામળાજી બોર્ડર પર ગત રાત્રે જ નીકળી છે, આ સિરીઝની એક ગાડી થોડા સમય પહેલા જ સેન્ટ્રલ જીએસટી વિભાગે પકડી હતી અને 46,00,000 રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો હતો (સ્ટેટ જીએસટી વિભાગ અહીં નિષ્ક્રીય છે) આ ગાડીમાં ત્યારે તાનસેન પાનમસાલાની ગેરકાયદેસર હેરાફેરી થઇ રહી હતી, હવે ગઇકાલે રાત્રે પણ શું બિલ વગરની તાનસેનની હેરાફેરી થઇ હતી કે કેમ તે પણ તપાસનો વિષય છે, તમે તપાસ કરજો આ ગાડીનું બિલ નથી બન્યું)

RJ-35, RJ-27, GJ-19, GJ-02, GJ-09, GJ-04, NL-01 પાસિંગની ગાડીઓમાં ગોરખધંધા

અમુક ગાડીઓની ઓળખથી જ મોબાઇલ સ્કવોર્ડના અધિકારીઓ હટી જાય છે

ખાસ કરીને પાન-મલાસા, સ્ક્રેપ, લોખંડના સળિયા, કોપર, બ્રાસ અને ટાઇલ્સમાં અમુક નંબરની ગાડીઓ જોઇને મોબાઇલ સ્કવોર્ડના અધિકારીઓ હટી જાય છે, કારણ કે અગાઉથી જ તેમના મોબાઇલમાં આ ડેટા આવી જતો હોવાની શક્યતા છે, સાથે જ માફિયાના ડમી નંબરો પણ અનેક અધિકારીઓના મોબાઇલ ફોનમાં વારંવાર ખણકતા હોય છે, RJ-35, RJ-27, GJ-19, GJ-02, GJ-09, GJ-04, NL-01 પાસિંગની ગાડીઓમાં આ સમગ્ર ખેલ ખેલાય છે, અહીં એ વાતની નવાઇ છે કે સ્ટેટ જીએસટી ઓફિસમાં બનાવવામાં આવેલો મોનિટરિંગ રૂમ પણ આ ટેક્સ ચોરી પકડી શકતો નથી, મોબાઇલ સ્કવોર્ડની ગાડીઓમાં લગાવેલા કેમેરા પણ શું બેકાર છે ? આવી તમામ બાબતો પરથી નક્કિ છે કે આ ટેક્સ ચોરી કૌભાંડમાં મોટા માથાઓ મલાઇ ખાઇ રહ્યાં છે.

ઉચ્ચ અધિકારીઓની છત્રછાયામાં ખેલાઇ રહ્યો છે આ ખેલ

સૌથી ભ્રષ્ટ શામળાજી મોબાઇલ સ્કવોર્ડમાં નોકરી કરીને આવેલા આ અધિકારીઓ

ભ્રષ્ટાચારનો ખુલ્લો દૌર....એકની ભવનમાં ગોઠવણ, બીજાને ભાવનગરનો હવાલો

ભાવનગર બન્યું ટેક્સ ચોરીનું સૌથી મોટું હબ, સ્ક્રેપના ધંધામાં કરોડોનો ખેલ

થોડા સમય પહેલા જ શામળાજીમાં નોકરી કરનારા બે અધિકારીઓ કે જેમને આખો જીએસટી ડિપાર્ટમેન્ટ વહીવટદાર તરીકે ઓળખે છે તે બંને અધિકારીઓએ ઉચ્ચ અધિકારીના કહેવાથી આખું કૌભાંડ આચર્યું, જો કે પહેલા પણ આ બંને અધિકારીઓ શામળાજીના માફિયાની સાથે રહીને અનેક ગાડીઓનો તોડ કરી ચુક્યાં છે અને મહિને-મહિને લાખો રૂપિયાના હપ્તા પણ ઘરભેગા કરી ચૂક્યાં છે. કોઇ ઉચ્ચ અધિકારીની સંડોવણી વગર આ બંનેને નક્કિ કરેલા મલાઇદાર પોસ્ટિંગ મળી શકે નહીં, એક અધિકારીએ વેરા ભવનમાં બેસીને માફિયાઓ અને અધિકારીએ માટે દલાલ બનીને કામ કર્યું. બીજાએ ભાવનગરથી નકલી બિલટીઓ ફાડીને ગાડીઓને શામળાજીથી રાજસ્થાન, પંજાબ તથા વિજાપુર, હિંમતનગર સુધી પહોંચાડી.

નાના કર્મચારીઓનો ભોગ લેવાશે ? મોટી માછલીઓને બચાવવાનો તખ્તો તૈયાર

ભ્રષ્ટાચારીઓને બચાવવા કેટલાક લોકો મેદાનમાં  

અમે ડરવાના નથી, આ અભિયાન ચાલુ જ રહેશે

રાજ્યની બધી બોર્ડર પર ટેક્સ ચોરી થઇ રહી છે, પરંતુ શામળાજીમાં ઉચ્ચ અધિકારીઓની મદદથી આખો તખ્તો ગોઠવાયેલો છે.અહીં નાના કર્મચારીઓને દમ મારીને માફિયાઓ ગાડીઓ છોડાવી લે છે, જો શામળાજીના નાના કર્મચારીઓ ખરેખર આ કૌભાંડમાં સામેલ નથી અને તેઓ માત્ર નોકરી બચાવવા જ આ કરી રહ્યાં છે, તો હિંમત કરીને તેમને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એ નામો સોંપવા જોઇએ કે જેમાં કોઇ ઉચ્ચ અધિકારીઓ પકડેલી ઇ-વે બિલ વગરની ટ્રકો છોડી દેવા તેમને દબાણ કરે છે. કોઇ પણ જાતના ડર વગર તમે આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી શકો છો. તમારે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર પર વિશ્વાસ રાખીને આગળ આવવું જોઇએ.

(આ ગાડીનો ફોટો થોડા સમય પહેલાનો છે જે અમે અહીં મુકી રહ્યાં છીએ)

CGST એ પકડેલી ટ્રકમાં 36 લાખ રૂપિયાનો દંડ, તો SGST ના અધિકારીઓ શું કરી રહ્યાં છે ???

27% GST ની વસ્તુઓમાં ચોરી, અમદાવાદના ત્રણ ગોડાઉનમાં ઉતરે છે માલ

થોડા સમય પહેલા સેન્ટ્રલ જીએસટીએ કેટીસી ટ્રાન્સપોર્ટની એક ગાડી પકડી હતી અને તેમાં જે તે પેઢીને 36 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો (અમારી પાસે આ દંડને લગતી સરકારી વિગતો ઉપલબ્ધ છે) તો આ જ ગાડીઓ આજે પણ રાજસ્થાન થઇને શામળાજીથી અમદાવાદ આવી રહી છે અને તેમાં અન્ય કોમોડિટીના બિલની આડમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશિન આવી રહ્યાં છે, જેના પર 27 ટકા જેટલો જીએસટી છે, તો આ ગાડીઓ તમે કેમ પકડી નથી શકતા ?? આ ટ્રાન્સપોર્ટની તમામ ગાડીઓ ઉચ્ચ અધિકારી અને શામળાજીનો માફિયા કઢાવી રહ્યો  છે. અમદાવાદના સરખેજ, કાલુપુર અને શાહીબાગમાં ત્રણ ગોડાઉનમાં આ ટેક્સચોરીનો માલ ઠલવાઇ રહ્યો છે.

ભ્રષ્ટાચાર કરનારાઓને અમે ખુલ્લા પાડવાના અને પાડવાના જ છીએ

જેમ દારુ વેચનારો બુટલેગર પકડાય અને પીઆઇ સસ્પેન્ડ થાય તેમ હવે તમે તૈયાર રહેજો !

માફિયાઓની ભવનમાં એન્ટ્રી બંધ, આ લોકો કૌભાંડ ઉજાગર કરનારનો રસ્તો શોધવા નીકળી પડ્યાં

અગાઉ અમારી (WWW.GUJARATPOST.IN) ગુજરાત પોસ્ટ ન્યૂઝની સ્ટોરીના બે ભાગ આવ્યાં પછી પાન-મસાલા અને સ્ક્રેપવાળા માફિયાઓના ગોરખધંધા હાલ પુરતા બંધ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. શામળાજીની આસપાસ 19 તારીખની રાત પછી અનેક ટેક્સ ચોરી કરનારી પેઢીઓની ગાડીઓને મેમો આપીને કરોડો રૂપિયાની ટેક્સ રિકવરીની પ્રક્રિયા શરૂ થઇ છે. જો તમે એક-બે રાતમાં અનેક ગાડીઓ પકડી શકો છો તો અત્યાર સુધી તમે કોની મલાઇ ખાધી અને તમારા ખિસ્સા ગરમ કરનાર કોણ ??? અમારી સ્ટોરી આવ્યાં બાદ માફિયાઓ હવે આશ્રમ રોડ પરના ભવનમાં જતા બંધ થઇ ગયા છે, માફિયાઓ વગર તેમના આકાઓ પણ એકલા પડી ગયા છે.

કેટલાક અધિકારીઓ જ આ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે

પોતાના નાના-મોટા સ્વાર્થ માટે સરકારી તિજોરી ખાલી કરે છે

ગાંધીનગરના કેટલાક આકાઓ કરી રહ્યાં છે ધમપછાડા

એક ઉચ્ચ અધિકારીએ ગાંધીનગરમાં પોતાના આકા પાસે હવે સેવાનો બદલો માંગી લીધો છે. અત્યાર સુધી મેં ઘણું કર્યું, હવે તમારો વારો છે...જો ભૂપેન્દ્ર પટેલની સરકાર હાલમાં JC, AC ના પ્રમોશન અટકાવીને આ મામલે ઉંડી તપાસ કરાવે છે તો આ કૌભાંડનો આંકડો ખરેખર તેમને ચોંકાવી દેવાનો છે, એક હાથથી સરકારનો પગાર-બીજા હાથથી સરકારી તિજોરીની લૂંટ...આ મહા કૌભાંડ અટકાવવામાં નાણાંવિભાગના IAS પણ નિષ્ફળ દેખાઇ રહ્યાં છે, કેટલાક ભ્રષ્ટ એવું કહી રહ્યાં છે કે થોડા દિવસ શાંતિ રાખજો, પછી ફરી ટેક્સ ચોરી શરૂ કરી દેવાની છે. અમે પણ તૈયાર છીએ આ કૌભાંડીઓ સામે લડત આપવા..

પાન-મસાલાના દલાલોઓ જીએસટી ભવનને બનાવી દીધો હતો અડ્ડો !

માફિયાઓને નથી કાયદાનો ડર, વેરાભવનમાં જઇને કરતા હતા ડીલ !

સરકારી ઓફિસો પર માફિયાઓનો કબ્જો !

ગુજરાત પોસ્ટ ન્યૂઝના અહેવાલ બાદ આશ્રમ રોડ પર આવેલી સ્ટેટ જીએસટીની કચેરીમાં આવતા-જતા લોકોની એન્ટ્રી રજીસ્ટરમાં ફરજિયાત કરી નાખવામાં આવી છે, શામળાજીમાં આવેલી નાની ઓફિસમાં પણ દલાલો જઇ રહ્યાં નથી, સ્ટટે જીએસટી કમિશનરનો ચાર્જ સંભાળનારા IRS અધિકારી સમીર વકીલે ઘણા ફેરફારો કરી નાખ્યાં છે, પરંતુ તેઓએ અગાઉ જ જોવાની જરૂર હતી કે પાનમસાલાની દલાલી કરનારા તેમની ઓફિસમાં કલાકોનો સમય કોની સાથે વિતાવી રહ્યાં હતા, અત્યાર સુધીમાં તો કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઇ ગઇ અને ઘણાએ ખિસ્સા ભરી લીધા..

હાલ ચાર્જમાં રહેલા કમિશનર સમીર વકીલે બિલિંગ માફિયાઓને અંદર કરીને સરકારી તિજોરીને થતું કરોડો રૂપિયાનું નુકસાન અટકાવ્યું છે, તેઓ સરકારની ગુડબુકમાં છે,તેમને થોડા જ સમયમાં ભાવનગર, સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી બોગસ બિલિંગ કરનારા માફિયાઓનો સફાયો કરી નાખ્યો છે, પરંતુ ગાડીઓમાં માલની હેરાફેરીની ટેક્સ ચોરીમાં સંડોવાયેલા માફિયાઓ અને તેમના જ અધિકારીઓને શોધવામાં તેઓ નિષ્ફળ દેખાઇ રહ્યાં છે. જો ભૂપેન્દ્ર પટેલની સરકારે કમિશનર પદની એક IAS અધિકારીની જગ્યા હોવા છંતા આ ખુરશીની જવાબદારી (IRS) તમને સોંપી છે તો તમારી પણ ફરજ છે રાજ્ય સરકારનું નુકસાન અટકાવવાની..

ભાવનગરની ગેંગ ઉચ્ચ અધિકારીઓ સાથે વ્હોટ્સએપ કોલ અને આઇફોનમાં ફેસ ટાઇમ પર ડિલ કરતી હતી

હપ્તો લીધા પછી ડમી સીમ અને ફોન ફેંકી દેવાતા, દર મહિને મોબાઇલ નંબરો બદલાતા

ભવનમાં બેસતા અધિકારીઓ માફિયાઓ માટે જ કામ કરતા હોય તેમ જ લાગતું હતુ, ભલે પગાર સરકાર આપે પરંતુ રજાના દિવસે અમદાવાદથી દૂર માફિયાઓની મહેમાનગતિ માનતા અને અહીં જ થતી હતી લોખંડના સળિયા, સ્ક્રેપ, પાનમસાલાની ગાડીઓની ડિલ, આવા જ અધિકારીઓ માફિયાઓને ટેક્સચોરી શીખવી રહ્યાં છે. ઘણી ગાડીઓ નક્કિ કરેલી બિલટી બતાવતા જ છોડી દેવાતી (ભાવનગરથી આવતી ટ્રકોમાં બિલટી આપવાનું મોટું કૌભાંડ ચાલે છે) અને ઘણી ટ્રકોના કિસ્સામાં ડ્રાઇવરના મોબાઇલ પર કોલ કરીને જે તે અધિકારી સાથે વાત કરાતી અને દમ મારવામાં આવતો, આવા તો અનેક કિસ્સાઓ છે કે જેની તપાસ કરવામાં ગુજરાત સરકારનો નાણાં વિભાગ નિષ્ફળ છે.

આ કૌભાંડની ઉંડી તપાસ કેમ થતી નથી ?

શું ગાંધીનગર નાણાં વિભાગમાં બેઠેલા અધિકારીઓના હિતો પણ સંકળાયેલા છે ?

જો ભૂપેન્દ્ર પટેલ સરકાર આ ટેક્સ ચોરીના કૌભાંડની તપાસમાં કોઇ કમિટી બનાવે અને અત્યાર સુધી રાજસ્થાન શામળાજી બોર્ડર પર નોકરી કરીને ગયેલા અધિકારીઓ-કર્મચારીઓની પૂછપરછ કરે છે, તો આ કૌભાંડના માસ્ટર માઇન્ડનો કોલર ભૂપેન્દ્ર પટેલ સરકારના હાથમાં ચોક્કસથી હશે. મોબાઇલ સ્કવોર્ડની ગાડીના કોન્ટ્રાક્ટ પર રહેલા ડ્રાઇવરો પણ કદાચ સમગ્ર કૌભાંડની માહિતી જાણતા જ હશે. પરંતુ આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે મોટી માછલીઓને પકડવાની સરકારની ઇચ્છા હોય અને કોઇ પોલીસ અધિકારીને તેની તપાસ સોંપવામાં આવે,બાકી જો ગાંધીનગર સુધી હપ્તા રાજ છે તો...

અમદાવાદના આંગડિયામાંથી મોડાસા મોકલાયા રૂપિયા

શામળાજીમાં સ્થાનિક માફિયા આ ઉચ્ચ અધિકારીઓ માટે કામ કરે છે, તેને અમદાવાદ, ભાવનગર, સુરત, પંજાબ, રાજસ્થાનથી આંગડિયા મારફતે રૂપિયા લીધા છે, મોડાસાના પીએમ આંગડિયામાં કરોડો રૂપિયાની હેરાફેરી થતી હતી, બાદમાં આ રૂપિયા ઉચ્ચ અધિકારી સુધી દલાલો મારફતે અમદાવાદ પહોંચતા હતા, પંજાબના ગોવિંદનગર લોખંડના માર્કેટમાં ગુજરાતમાંથી એક જ ગેંગની મહિને 700 ટ્રકો બિલ વગર જાય છે. આવી તો અનેક ગેંગ અમદાવાદના ઓઢવ, રખિયાલ, ભાવનગર, સુરત, અંકલેશ્વર, વિજાપુર, હિંમતનગર, દાહોદમાં સક્રિય છે. એટલે કે આ રેકેટ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. આ હવાલાની રાજ્ય સરકારે તપાસ કરાવવી જોઇએ, આવી તો અનેક ગેંગ પેદા થઇ છે જે કરોડો રૂપિયાનો સ્ક્રેપ બિલ વગર રાજ્ય બહાર મોકલી રહી છે. 12 ટકાથી લઇને 28 ટકાના ટેક્સની ચોરી થઇ રહી છે.

ઓઢવ-રખિયાલના અનેક વેપારીઓનો માલ પંજાબ સુધી જાય છે

અમદાવાદના ઓઢવ, રખિયાલના અનેક વેપારીઓ સાથે આ અધિકારીની બેઠક છે અને તેઓ જ શામળાજીમાં દલાલ મારફતે આ સમગ્ર ઓપરેશન પાર પાડી રહ્યાં છે, ડમી મોબાઇલથી આ અધિકારી ઓર્ડર આપતા હતા, પરંતુ હવે બધા માફિયાઓ અને અધિકારીના ડમી નંબરો અને મોબાઇલ સ્ક્રેપ કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે (જો પોલીસ ઇન્વેસ્ટીગેશન થાય તો આ તમામ ડેટા પાછો મળી શકે તેમ છે, અનેક લોકોની પૂછપરછથી પણ આ સમગ્ર કૌભાંડના માફિયાઓનો પર્દાફાશ થઇ શકે છે)

કમિશનરે તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ કે અન્ય કોઇ એજન્સીની મદદ લેવી જોઇએ

મોબાઇલ સ્કવોર્ડની ગાડીઓની જાસૂસીના એંગલથી તપાસ જરૂરી

મહિને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો ખેલ

પાનમસાલા અને સ્ક્રેપની ગાડીઓમાં થતી આ ટેક્સ ચોરી રોકવા સ્ટેટ જીએસટીના ચાર્જમાં રહેલા કમિશનરે ક્રાઇમ બ્રાન્ચ કે અન્ય કોઇ એજન્સીની મદદ લેવી જોઇએ, તો જ સરકારી તિજોરીનો સફાયો થતો રોકાશે, જો તમે પોલીસ ઇન્વેસ્ટીગેશનની માંગ કરશો તો તે તમારા મોબાઇલ સ્કવોર્ડની ગાડીના ડ્રાઇવરથી માંડીને તમામ અધિકારીઓ-કર્મચારીઓની પૂછપરછ કરશે, ત્યાંથી જ તેમને ટ્રકોના નંબરો પણ મળશે, શામળાજી નજીક આવેલા ટોલ ટેક્સનો ડેટા પણ તમને મદદરૂપ થશે, સાથે જ ભાવનગરની ગેંગ, અમદાવાદના રખિયાલ, ઓઢવની પેઢીઓના માલિકો અને સુરતથી આવતી ગાડીઓના માલિકો સુધી તમે સરળતાથી પહોંચી જશો. જાસૂસીના એંગલની તપાસ પણ જરૂરી છે, ઘણી વખત મોબાઇલ સ્કવોર્ડના ઇમાનદાર અધિકારીઓની પણ જાસૂસી શક્ય છે. તેમની ગાડીમાંથી મોકલેલા લોકેશન અને ગાડીઓના નંબરનો ડેટા માત્ર પોલીસ ઇન્વેસ્ટીગેશનથી જ સામે આવી શકે છે.

(જય હિંદ)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch