Sat,16 November 2024,12:07 am
Print
header

પોલીસના હોશ ઉડી ગયા, ઉજ્જૈનમાં 14 કિલો સોનું, 1 કિલો ચાંદી, હીરાનો હાર સહિત 18 લાખ રૂપિયાની રોકડ જપ્ત- Gujarat Post

બાતમીદારની માહિતીને આધારે પોલીસે દરોડા પાડ્યાં

મકાનમાં પ્રથમ માળ પર રહેતો હતો પરિવાર

પોલીસે 14 કિલો સોનું, 1 કિલો ચાંદી, હીરાનો હાર સહિત 18 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી

ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. શહેરના જીવાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની ગીતા કોલોનીમાં રહેતા સટ્ટોડિયા રવિના ઘરે પાડવામાં આવેલા દરોડોમાં કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. શનિવારે મોડી રાત્રે થયેલી કાર્યવાહીમાં પોલીસે રવિ સામે કાર્યવાહી હાથ ધરી છે. બાતમીદારની માહિતીને આધારે પોલીસે દરોડા પાડીને 6 બુકીઓના કબ્જામાંથી કરોડોની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે 14 કિલો સોનું, 1 કિલો ચાંદી અને હીરાનો હાર સહિત 18 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાત્રે 11 વાગ્યાની આસપાસ રવિના ઘરે પહોંચી હતી. આ સાથે તેના બે સ્થળો પર દરોડા પાડ્યા હતા. નાનાખેડા વિસ્તારમાં આવેલી ઓફિસ અને ગીતા કોલોની સ્થિત મકાનમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. ઘરના બીજા માળે સટ્ટાબાજીનો ધંધો થતો હતો. પરિવાર પહેલા માળે રહેતો હતો. દરોડા દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર હતા. કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી રવિ સ્થળ પરથી ભાગી ગયો હતો.

ચૂંટણીના માહોલનો લાભ લઈ પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મધ્યપ્રદેશમાં અર્બન બોડીની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં પોલીસ સાદા ડ્રેસમાં પાર્ટીના ઝંડા સાથે કાર્યવાહી માટે પહોંચી હતી. મળતી માહિતી મુજબ રવિએ પોતાનો સટ્ટાનો ધંધો એટલો વધાર્યો હતો કે તેને દરરોજ 8 થી 10 લાખ રૂપિયા મળતા હતા. પોલીસે કાર્યવાહી દરમિયાન 5 લોકોની ધરપકડ પણ કરી છે.

મુખ્ય પોલીસ અધિક્ષક વિનોદ મીણાએ કહ્યું કે અમને આ વિશે ઘણા સમયથી ખબર હતી. આ વ્યક્તિ ગેરકાયદે સટ્ટાબાજીનો ધંધો કરે છે. તેને પકડવો મુશ્કેલ હતો. તે અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી સટ્ટાનું સંચાલન કરતો હતો.અમે સંયુક્ત ઓપરેશન દ્વારા તેના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડામાં અમને તેના ઘરમાંથી કરોડો રૂપિયાના સટ્ટાબાજીના પેપર એકાઉન્ટ્સ, ઘણા મોબાઈલ, 14-15 લાખ રૂપિયા મળ્યા છે. અમને આ ઘરમાં એક ગુપ્ત તિજોરી પણ મળી હતી જેમાં 14 કિલો સોનું મળ્યું હતું. કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ફરાર છે, જે ટૂંક સમયમાં ઝડપાઈ જશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch