• કસ્ટમ્સ વિભાગે તપાસ તેજ કરી
  • હવાલા મારફતે દુબઈ મોકલાયું હોઈ શકે છે એડવાન્સ પેમેન્ટ

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે દુબઈથી આવેલા ભરૂચના એક મુસાફર પાસેથી રૂ. 88.97 લાખની કિંમતના પાંચ સોનાના બિસ્કિટ જપ્ત કરાયા બાદ, અમદાવાદ કસ્ટમ્સ વિભાગે હવાલા નેટવર્કની શંકાના આધારે તપાસ વધુ સઘન બનાવી છે. પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યાં છે કે સોના માટેની ચૂકવણી હવાલા ચેનલો દ્વારા દુબઈ થઇ હોય શકે છે.

કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, સોનાની દાણચોરીના કેસોમાં મોટાભાગે વિદેશમાં એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે છે, ત્યાર બાદ મુસાફરો કસ્ટમ ડ્યૂટીની ચોરી કરવા માટે સોનાના બિસ્કિટ અથવા ઘરેણાં છુપાવીને ભારત લાવતા હોય છે. તપાસકર્તાઓને શંકા છે કે ભારતમાંથી વિદેશી હૂંડિયામણ (કરન્સી) લઈ જતા કેટલાક મુસાફરો આવા સોદા માટે એડવાન્સ પેમેન્ટ પહોંચાડતા હોઈ શકે છે અને પરત ફરતી વખતે સોનું લાવતા હોય છે. જો કે, તાજેતરના આ કેસ અને હવાલા વ્યવહારો વચ્ચેનો સીધો સંબંધ હજુ સત્તાવાર રીતે સાબિત થવાનો બાકી છે.

એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન, ભારતીય ચલણમાં આશરે રૂ.7 થી રૂ.10 કરોડની વિદેશી કરન્સી સાથે જતા 10 થી વધુ મુસાફરોને ઝડપી પાડવામાં આવ્યાં હતા. મુસાફરો જરૂરી આધાર-પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા આ રકમ જપ્ત કરવામાં આવી હતી અને તેમના પર દંડ ફટકારવામાં આવ્યો હતો.