Thu,04 July 2024,3:09 pm
Print
header

રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુજરાતમાં હોબાળો, બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસ હેડક્વાર્ટર પર લગાવ્યાં પોસ્ટર્સ

અમદાવાદઃ કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું જેના પછી તેમની મુશ્કેલીઓ વધી ગઇ છે. રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. મોડી રાત્રે ગુજરાતમાં પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ દેખાવો શરૂ થયા હતા.

ગુજરાતમાં પણ રાહુલ ગાંધીનો વિરોધ

રાહુલ ગાંધીએ લોકસભામાં ભગવાન શિવનો ફોટો બતાવીને હિન્દુઓને હિંસક ગણાવ્યાં હતા. જેના પર દિલ્હીમાં વિપક્ષી નેતાઓના વિરોધનો સામનો કર્યાં બાદ હવે રાહુલ ગાંધીને ગુજરાતમાં પણ વિરોધનો સામનો કરવો પડશે. મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રવેશ્યા હતા અને ત્યાં પોસ્ટરો લગાવ્યાં હતા. આ સિવાય રાહુલ ગાંધીના પહેલાથી જ લગાવેલા બોર્ડ પર પણ કાળી શાહી લગાવી હતી.

આખરે શું છે સમગ્ર મામલો ?

ગઈકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી, જેમાં રાહુલ ગાંધીએ ભાગ લેતા કંઈક એવું કહ્યું હતું જેનો હવે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, તમામ ધર્મો અને આપણા બધા મહાપુરુષોએ અહિંસા અને નિર્ભયતાની વાત કરી છે. તેઓ કહેતા હતા કે ડરશો નહીં, ડરાવશો નહીં. શિવજી કહે છે ડરશો નહીં, ડરાવશો નહીં. તેઓ અહિંસાની વાત કરે છે પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા, નફરત અને જૂઠ બોલે છે.

ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો

રાહુલ ગાંધીએ આ નિવેદન આપતા જ ​​ભાજપે તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા. વડાપ્રધાને કહ્યું કે રાહુલ ગાંધી સમગ્ર હિન્દુ સમાજને હિંસક બનાવી રહ્યાં છે તે ગંભીર બાબત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોસ્ટ કરતા લખ્યું કે રાહુલ ગાંધીએ એવું કહીને કરોડો હિન્દુઓનું અપમાન કર્યું છે કે હિન્દુઓ હિંસા કરે છે, જુઠ્ઠું બોલે છે અને નફરત ફેલાવે છે. તેમને આ માટે માફી માંગવી જોઈએ.

રાહુલ ગાંધીએ શું કહ્યું ?

પોતાના નિવેદનનો વિરોધ જોયા બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાજપ નરેન્દ્ર મોદી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આખો હિન્દુ સમાજ નથી. તે દેશની જનતા નથી, તેમને એક રીતે માત્ર મોદી-ભાજપ-સંઘ પર નિશાન સાધ્યું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch