Mon,18 November 2024,11:22 am
Print
header

મુંજકુવામાં પુત્રીની હત્યાને લઇને ઘટસ્ફોટ, 5 વર્ષની બાળકીની હત્યા મામલે ચોકાવનારો ખુલાસો થયો

આણંદઃ આંકલાવ તાલુકાના મુંજકુવા ગામે પાંચ વર્ષીય બાળકીની હત્યા તેના પિતાએ કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. પત્ની સાથે ચારિત્ર્ય બાબતે અવાર-નવાર થતાં ઝઘડાને પગલે બાળકીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત પિતાએ પોલીસ સામે કરી હતી. મુંજકુવા ગામના મહાકાળી માતાવાળા ફળિયામાં શૈલેષ પઢિયાર પોતાની પત્ની અને બે સંતાનો પુત્રી પુર્વી (ઉ.વ.5) અને પુત્ર વંશ (ઉ.વ.3)ની સાથે રહેતો હતો, સાંજના સમયે તેમની પાંચ વર્ષની પુત્રી પુર્વી ફળિયામાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. 

સાંજના 7 વાગ્યાના સમયે અંધારું થઇ ગયું હોવા છતાં પુર્વી ઘરે પાછીં નહીં ફરતા તેના પરિવારજનો અને પડોશીઓએ તપાસ શરૂ કરી હતી. જેમાં ઘરથી આશરે ત્રણસો મીટર દુર આવેલા ઝાડી-ઝાંખરામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ સંદર્ભે આંકલાવ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં પિતા શૈલેષની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે ગલ્લાં-તલ્લાં કર્યા પરંતુ આખરે પોલીસની સઘન પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો, હત્યા તેણે જ કરી હોવાની કબૂલાત પોલીસ સામે કરી હતી. ડીવાયએસપી આર.એલ.સોલંકીએ જણાવ્યું કે, એકબીજાના ચારિત્ર્ય બાબતે અવાર-નવાર દંપત્તિ વચ્ચે ઝઘડા થતાં હતા. તેની પત્ની કહેતી હતી કે મોટી પુત્રી પૂર્વી, તારી પુત્રી જ નથી, એ મારા પ્રેમીની પુત્રી છે, એવા મ્હેણાં-ટોળાં પતિ આગળ મારતી હતી. જેને પગલે કંટાળીને આખરે તેને સબક શીખવાડવા માટે પુત્રીને ખેતરમાં લઈ જવાનું બહાનું કાઢીને સોમવારે સાંજે ઘરથી થોડે દૂર અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેણે પહેરેલા ફ્રોકના પટ્ટાથી જ તેણે તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.

પત્નીને દવા પીવડાવ્યાં બાદ દિકરીને ફાંસો આપ્યો હતો. શૈલેષ અવાર-નવાર થતાં ઝઘડાથી કંટાળી ગયો હતો.તેણે પત્નીને પણ મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી દીધું હતું. જેને પગલે તે ત્રણ લસ્સી લઈ આવ્યો હતો, જે પૈકી બેમાં તેણે ઝેરી દવા નાંખી હતી. ઝેરી દવાવાળી લસ્સી પત્નીને પીવડાવતા તેણીને વોમિટ શરૂ થઈ ગઇ હતી. બીજી તરફ તે પુત્રીને ખેતરમાં જઈને આવીએ છે તેમ કહીને લઈ ગયો હતો. જ્યાં તેણે હત્યાને અંજામ આપ્યો હતો, જ્યાંથી પરત આવ્યાં બાદ દિકરી પૂર્વીને શોધવા લાગ્યો હતો. આમ, જાણે કંઈ જ બન્યું ન હોય તે રીતે તે દીકરીને શોધતો હતો. બાદમાં જાણે કોઈએ તેની હત્યા કરી નાંખી હોય એવું ચિત્ર ઉપસાવવા પ્રયાસ કર્યો હતો. 

શૈલેષ પઢિયાર અને નેહાના લગ્ન વર્ષ 2014માં જ થયા હતાં. તેમને સંતાનમાં એક પુત્રી પુર્વી અને એક પુત્ર વંશ. શૈલેષ અગાઉ એલેમ્બિક કંપનીમાં ફરજ બજાવતો હતો. થોડા સમય અગાઉ જ તેણે નોકરી છોડી દીધી હતી, હાલમાં તે બેરોજગાર હતો. જોકે, તે ધાર્મિક પ્રકૃતિનો અને સારો ગાયક હોઈ ધાર્મિક પ્રસંગમાં ભજન ગાઈને રોજી-રોટી મેળવતો હતો. જો કે હવે તે હત્યારો પોલીસ સકંજામાં આવી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch