Sun,17 November 2024,3:51 pm
Print
header

GST SCAM- કૌભાંડી માધવ કોપરના માલિકોને બચાવી લેવા સુરતના ઉદ્યોગપતિ મેદાનમાં, શું રાજકીય લોબિંગથી કૌભાંડ દબાઇ જશે ?

ભાવનગરના અંદાજે 2 હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં માત્ર બદલીઓથી વિભાગની આબરૂ બચશે ?

મહેશ આર પટેલ, એડિટર 

અમદાવાદઃ ભાવનગર-અલંગના રૂપિયા 2 હજાર કરોડના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં હવે તપાસ ધીમી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે, અનેક બોગસ પેઢીઓ બનાવીને કરોડો રૂપિયાની આઇટીસી પાસ કરાવી લેનારા માસ્ટર માઇન્ડ કૌભાંડીઓ હજુ બહાર જ ફરી રહ્યાં છે માધવ કોપર લિમિટેડ જેવી કંપની અંદાજે 800 કરોડ જેટલું મોટું બોગસ બિલિંગ કૌભાંડ કરીને 136 કરોડ રૂપિયાનો સરકારને ચૂનો લગાવી દે છે અને ભાવનગર કે અમદાવાદના અધિકારીઓને મોડે મોડે ખબર પડે છે તે વાત માન્યામાં આવે તેવી નથી.અહીં કેટલાક અધિકારીઓની કૌભાંડીઓ સાથેની મીલિભગતની તપાસ થવી જોઇએ

જીએસટી ઇન્ટેલિજન્સ વિભાગ શું કરી રહ્યો છે ?

હજારો કરોડ રૂપિયાનું જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ થઇ જાય છે અને ભાવનગર કે પછી અમેદાવાદની જીએસટી કમિશનર ઓફિસને સમયસર ખબર ન પડે તે વાત નવાઇ પમાડે તેવી છે તેનો મતલબ છે કે જીએસટીનો ઇન્ટેલિજન્સ વિભાગ અને ભાવનગર ઓફિસના અધિકારીઓની આ બેદરકારી છે કે પછી કેટલાક ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારીઓની કોઇ મિલીભગત છે, રાજ્યભરમાં હાલમાં ચર્ચાસ્પદ બનેલા જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો હજુ મોટો થઇ શકે છે. પરંતુ જો કૌભાંડીઓને રાજકીય પીઠબળ મળશે તો આ કૌભાંડની તપાસ પણ ટલ્લે ચઢાવી દેવામાં આવશે તે નક્કિ છે.

માત્ર બદલીઓથી કૌભાંડો અટકશે !

ભાવનગરના જીએસટી કૌભાંડે ભાજપ સરકારની પણ ઉંઘ ઉડાવી દીધી છે ત્યારે આજે જીએસટી વિભાગે પોતાના કેટલાક કર્મચારીઓની માત્ર બદલીઓ કરીને મન મનાવી લીધું છે તેમ લાગે છે, ભાવનગરનું આ બિલિંગ કૌભાંડ આવ્યાં પછી પોતાના કોઇ અધિકારીની તેમાં સંડોવણી છે કે નહીં તે તપાસ કરવી જરૂરી છે. અગાઉ બિલિંગ કૌભાંડોમાં જીએસટીના કેટલાક અધિકારીઓની સંડોવણીના પુરાવા હોવા છંતા તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી, ભાવનગરની જીએસટીની મોબાઇલ સ્કવોર્ડ પણ ભ્રષ્ટાચારની સ્કવોર્ડ બની ગઇ છે. બિલ વગરની ગાડીઓમાં સ્ક્રેપ સહિતના માલની બિંદાસ હેરાફેરી થઇ રહી છે અને કેટલાક અધિકારીઓ ખિસ્સા ગરમ કરવામાં વ્યસ્ત છે.

સુરતથી માધવ કોપરને કોણ કરી રહ્યું છે મદદ !

ભાવનગરની સૌથી મોટી કૌભાંડી કંપની માધવ કોપર લિમિટેડને લઇને રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે હવે સવાલ એ છે કે 136 કરોડ રૂપિયાનો સરકારી તિજોરીને ચૂનો લગાવનાર માસ્ટર માઇન્ડ કેમ બહાર ફરી રહ્યો છે ! શું આ જીએસટી વિભાગની નિષ્ફળતા છે ! કે પછી કોઇ રાજકીય લોબી આ કૌભાંડીને બચાવી રહી છે ! જીએસટી વિભાગના એક અધિકારીએ નામ નહીં લખવાની શરતે માહિતી આપી છે કે સુરતના કોઇ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ગજાના ઉદ્યોગપતિ માધવ કોપરને બચાવી લેવા તનતોડ મહેનત કરી રહ્યાં છે, તો શું આવા કૌભાંડીઓ સામે હવે કોઇ કાર્યવાહી નહીં થાય ! સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવ અને મોંઘવારી નીચે પીસાઇ રહી છે અને કેટલાક કૌભાંડીઓ ભાજપની વિજય રૂપાણી સરકારના નાક નીચેથી કૌભાંડો કરી જાય છે ! શું આ ખરેખર વિજય રૂપાણી સરકારની નિષ્ફળતાનો સૌથી મોટો નમૂનો છે ! 

શું માધવ કોપરની આગળની તપાસ અટકી જશે !

સુરતમાં ડાયમંડ ઉદ્યોગના કોઇ ઉદ્યોગપતિના ભાજપ સરકારના કેટલાક મંત્રીઓ સાથે સારા સંબંધો હોવાથી આ ઉદ્યોગપતિ કદાચ માધવ કોપરના માલિકોને મદદ કરી શકે છે. પરંતુ 136 કરોડ રૂપિયા ઘરભેગા કરનારા આવા કૌભાંડીઓને છોડી દેવા અથવા દેખાવ પુરતી કાર્યવાહી કરવી તે વાત જનતાનું પણ અપમાન છે. જોવું રહ્યું કે માધવ કોપર સાથે સંકળાયેલા બધા કૌભાંડીઓની તપાસ થશે કે પછી ભ્રષ્ટ અધિકારીઓની ગાઇડલાઈન મુજબ કોઇ એકના માથે કૌભાંડના દોષનો ટોપલો ઢોળીને કૌભાંડીઓને બચાવી લેવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch