- નકલી ડૉક્ટર બનીને પોર્ન સામગ્રી મોકલતા અને ધમકી આપી નાણાં પડાવતા 10 શખ્સો ઝડપાયા
- 3 સ્થળોએ એકસાથે દરોડા: 5.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
રાજકોટઃ ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉનમાં પુરુષત્વ અને સેક્સ્યુઅલ પાવર વધારવાની દવાઓના ઓનલાઇન વેચાણના બહાને ચાલતા એક મોટા કૌભાંડનો ભાયાવદર પોલીસે પર્દાફાશ કર્યો છે. લોકોને પોતાની જાળમાં ફસાવી માનસિક ત્રાસ આપીને લાખો રૂપિયા પડાવતા ગેરકાયદેસર કોલ સેન્ટરોના નેટવર્ક પર પોલીસે ત્રાટકીને સ્થળ પરથી 10 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 5 શખ્સોની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં આ સમગ્ર રેકેટની ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. આરોપીઓ વેબસાઇટ મારફતે ગ્રાહકોનો સંપર્ક સાધીને પોતે ડૉક્ટર હોવાનો ડોળ કરતા હતા. ત્યાર બાદ B-12 અને ન્યુરો શક્તિ પ્લસ જેવી કહેવાતી આયુર્વેદિક દવાઓના વેચાણના નામે ગ્રાહકોને પોર્ન સાહિત્ય મોકલી ઉશ્કેરતા હતા.
જો કોઈ ગ્રાહક દવા ખરીદવાની અનિચ્છા દર્શાવે કે ઓર્ડર રદ કરવાની વાત કરે, તો ટોળકી અસલ રંગ બતાવતી હતી. આરોપીઓ ગ્રાહકને ધમકી આપતા કે આ બાબતે તેમના પરિવારને જાણ કરી દેવાશે અથવા તો પોલીસ ફરિયાદ દાખલ કરાવી આજીવન જેલભેગા કરી દેવામાં આવશે. બદનામી અને પોલીસ કાર્યવાહીના ડરથી ગ્રાહકો પાસેથી બળજબરીપૂર્વક લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા.

















