• ખેડૂત આક્રોશ મહાસભામાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું
  • કોંગ્રેસની વહેલી ચૂંટણી અંગેની વાતો વાસ્તવિકતાથી દૂર : વાઘાણી 

મોરબીઃ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપર રોડ ખાતે યોજાયેલી ખેડૂત આક્રોશ મહાસભામાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. આ સભામાં ડૉ. તુષાર ચૌધરીએ મોટો દાવો કરતાં જણાવ્યું કે ગુજરાતમાં 2027 ની વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતાં વહેલી યોજાઈ શકે છે.

ડૉ. તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં આગામી સમયમાં આવનારા પાણી અને વીજળીના ગંભીર સંકટથી બચવા માટે સરકાર વહેલી ચૂંટણી યોજવાની દિશામાં આગળ વધી શકે છે. તેમણે સરકારની નીતિને ભાગેડુ વૃત્તિ ગણાવતા કહ્યું કે મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે ભાજપ સરકાર સંકટ આવે તે પહેલાં જ ચૂંટણી કરાવી મોટો રાજકીય દાવ રમવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં તેમણે કાર્યકરો અને સામાન્ય જનતાને સજાગ રહેવા અપીલ કરી હતી.

ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે સરકાર કોઈ મોટો દાવ કરવા માગે છે, તેથી સૌએ સજાગ રહેવાની જરૂર છે. તેમના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં વહેલી ચૂંટણીની શક્યતાઓ અંગે ચર્ચા તેજ બની શકે છે.