Fri,15 November 2024,9:54 am
Print
header

CBI Investigation- મહેશ ચૌધરી, મેડમ અને મામાએ સરકારી તિજોરીને લગાવ્યો કરોડો રૂપિયાનો ચૂનો ! ગુટખાના વેપારીઓની દલાલી કરનારા મામા પર આવી શકે છે સકંજો

સ્ટોરી- મહેશ. R પટેલ, એડિટર

ED-DGGI માં વર્ષો સુધી કામ કરનારા મહેશ ચૌધરી પર સકંજો

ઘરેથી રૂ. 42 લાખ રોકડ, ડોલર અને સોનાના દાગીના મળ્યાં હતા  

સાણંદ પાસે એક ફેક્ટરીમાં પાર્ટનરશીપની તપાસ જરૂરી 

અમદાવાદઃ સેન્ટ્રલ જીએસટીના ગાંધીધામના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીને સીબીઆઇ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે, હવે તેમની પૂછપરછમાં અનેક મોટા માથાઓના નામો ખુલી શકે છે, અંદાજે 3.71 કરોડ રૂપિયાની આવક કરતા વધુ સંપત્તિ અને જોધપુરની જમીનના દસ્તાવેજો સીબીઆઈના હાથે લાગ્યા છે, બાડમેર અને અમદાવાદના ઘરેથી સોનાના દાગીના અને 42 લાખ રૂપિયા રોકડ મળી આવ્યાં છે, અમદાવાદના ફ્લેટની કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા છે. મહેશ ચૌધરીએ અમદાવાદમાં કેટલાક બિલ્ડરોની સ્કીમોમાં રોકાણ કર્યાનું ચર્ચાઇ રહ્યું છે, સાથે જ તેમના બે પુત્રોની કંપનીઓમાં કરોડો રૂપિયાની હેરાફેરી, અન્ય લોકો સાથેની પાર્ટનરશીપ અને તેમના બેંક એકાઉન્ટની વિગતો તપાસમાં આવી રહી છે. અમદાવાદના સાણંદ પાસેની એક કંપની (ફાર્માની) પાર્ટનરશીપની પણ તપાસ જરૂરી છે. જે કંપની કોરોના સમયે ચર્ચામાં આવી હતી. મહેશ ચૌધરીના પત્નીના નામે જમીન ખરીદવામાં આવી હતી, તેના ડોક્યુમેન્ટ હાથે લાગ્યા છે. સીબીઆઈએ આ દંપત્તિ સામે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરતા અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 

મહેશ ચૌધરી, મેડમ અને મામાએ સરકારી તિજોરીનો સફાયો કરી નાખ્યો !! 

ચૌધરીનો દબદબો હતો, અન્ય અધિકારીઓ પણ તેનાથી ફફડતા હતા 

મેડમના વહીવટદાર બનીને મહેશ ચૌધરીએ કરોડો રૂપિયાની હેરાફેરી કરી, એસજી હાઇવે પરની લક્ઝુરિયર્સ હોટલમાં મામા, મહેશ અને મેડમ આ સમગ્ર ખેલ પાર પાડતા હતા, મહિને કરોડો રૂપિયાના હપ્તાથી બનાવેલા રૂપિયા હવે સીબીઆઇ બહાર લાવી રહી છે, સીજીએસટી વિભાગમાં મામાનો દબદબો હતો, મામા પોતે પણ હપ્તો આપતા અને અન્ય કોઇ તમાકુ-પાન મસાલાના વેપારી પર મુશીબત આવે તો મામા તેમાં બ્રોકર પણ બની જતા, મહેશ ચૌધરીએ સીજીએસટીમાં અનેક અધિકારીઓને સાઇડ લાઇન કરાવી નાખ્યાં હતા કે જેઓ ઇમાનદારીથી પોતાનું કામ કરતા હતા.

સીબીઆઇ ઉંડી તપાસ કરે તો મેડમ અને મામા પર આવી શકે છે સકંજો !! 

અંદાજે 50 કરોડથી વધારે સંપત્તિના માલિક મહેશ ચૌધરીના ઉચ્ચ કક્ષાએ સંબંધો હોવાથી તેના પર કોઇ હાથ નાખવાનું પણ વિચારી શકતું ન હતુ, સાથે જ મેડમના ખાસ હોવાથી બધા જ વહીવટ તેઓ જ કરતા હતા, પરંતુ જ્યારે કોઇ ઇમાનદાર અધિકારીની એન્ટ્રી થાય છે, ત્યારે ચૌધરી જેવા અધિકારીને તેની ઔકાત ખબર પડી જાય છે. મહેશ ચૌધરીની સંપત્તિ કરતા અનેકગણી સંપત્તિ મેડમે બનાવી લીધી છે અને મામા જેવા લોકોને સાથે રાખીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. તો આ કેસમાં અન્ય લોકો પર પણ સકંજો આવી શકે છે.

ડાયરીને આધારે ઉચ્ચ અધિકારી સુધી પહોંચશે તપાસનો રેલો !!  

ગાંધીધામ, રાજસ્થાનના બાડમેર અને અમદાવાદના ઠેકાણાંઓ પર તપાસ કરાઇ હતી, સીબીઆઇને એક ડાયરી મળી આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ડાયરીમાં અનેક વેપારીઓના નામો અને વહીવટની વિગતો હોય શકે છે, જેને આધારે અન્ય અધિકારીઓ સુધી ભ્રષ્ટાયારનો રેલો પહોંચી શકે છે. ડાયરીમાં જે જે લોકો સાથે રૂપિયાના વહીવટ થયા છે, તેમની પૂછપરછ પણ થઇ શકે છે.

અંદાજે 6 આઇફોન જપ્ત કરાયા 

મહેશ ચૌધરીના ઠેકાણાંઓ પરથી અંદાજે 6 આઇફોન અને 1 વન પ્લસના મોબાઇલ જપ્ત કરાયા છે, જુદા જુદા લોકો સાથે વાત કરવા તેઓ આટલા બધા મોબાઇલ વાપરતા હતા, આ મોબાઇલના સીમકાર્ડ કોના નામના છે અને તેઓ આ નંબરોથી કોની સાથે ડીલ કરતા હતા તેની તપાસ શરૂ થઇ ગઇ છે. 

અધિકારીઓની પોસ્ટિંગમાં પણ રૂપિયા પડાવ્યાં 

મહેશ ચૌધરી શરૂઆતમાં નીચેની રેન્કના અધિકારી હોવા છંતા તેમનો દબદબો બની ગયો હતો. અધિકારીઓને મનગમતું પોસ્ટિંગ આપવામાં પણ રૂપિયા પડાવ્યાંનું ચર્ચાઇ રહ્યું છે, લાયક અધિકારીઓને સાઇડ લાઇન કરીને પોતાની પસંદગીના અધિકારીઓને મલાઇદાર પોસ્ટિંગ આપવા ચૌધરી મેડમને મનાવીને મલાઇ ખાતા હતા.

એસીજી હાઇવે પરની હોટલના સીસીટીવી મહત્વની કડી 

મહેશ ચૌધરી એસજી હાઇવે પરની લક્ઝુરીયર્સ હોટલમાં પાન-મસાલા, ગુટખાના વેપારીઓ સાથે બેઠક કરીને અહીં જ બધા સેટલમેન્ટ કરતા હતા, મામાને સાથે રાખીને આ ગોરખધંધા કરાતા હતા, ચૌધરીના મોબાઇલમાંથી મામાનું કનેક્શન સ્પષ્ટ થઇ જશે અને તપાસનો રેલો મામા અને અન્ય દલાલો સુધી પહોંચી જશે તે નક્કિ જેવું દેખાઇ રહ્યું છે.

તમાકુ- પાન મસાલાની ગાડીઓ બિલ વગર કાઢવાનો આખો ખેલ 

મહેશ ચૌધરીએ તમાકુ-પાનમસાલાના માફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને કરોડો રૂપિયા બનાવ્યાં અને ઉચ્ચ અધિકારીને પણ કરોડો રૂપિયા આપ્યાં, બિલ વગર જે ગાડીઓ રસ્તાઓ પર ફરતી હતી, તેના હપ્તા લેવામાં આવતા, જેમાંથી કરોડો રૂપિયા બનાવી લેવાયા અને સરકારી તિજોરીને ફટકો મારવામાં આવ્યો. ત્યારે આ મામલે હવે સીબીઆઇ તપાસ ચાલી રહી છે. જોવું રહ્યું અન્ય કેટલા લોકો પર સકંજો કસાવીની તૈયારી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch