Thu,14 November 2024,12:23 pm
Print
header

વરસાદને કારણે કુલ 22 લોકોનાં મોત, દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં એલર્ટ

નવી દિલ્હીઃ ચોમાસાની શરૂઆતથી જ વરસાદે ઉત્તર ભારતના ભાગોમાં ધબધબાટી બોલાવી છે, શનિવાર અને રવિવારે થયેલા અતિભારે વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યાં છે, જેમાં 22 લોકોનાં મોત થયાં છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારતીય હવામાન વિભાગે (IMD) કહ્યું કે ચોમાસાના વરસાદે દિલ્હીમાં એક જ દિવસમાં 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, ગોવા, ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

દિલ્હીમાં આજે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાદળછાયાં વાતાવરણ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. 11 અને 12 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 13 થી 15 જુલાઈ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રવિવારે ભારે વરસાદને કારણે ઉત્તર દિલ્હીના સબઝી મંડી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 30 વર્ષીય મહિલાનું મોત થયું હતું. જ્યારે રોહિણીમાં ઓટો રિક્ષા પર ઝાડ પડતાં ડ્રાઈવરનું મોત થયું હતું. વિવિધ વિસ્તારોમાં અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ ચાલુ છે. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે તો ઘણી જગ્યાએ વરસાદ લોકો માટે મુશ્કેલીનો વિષય બન્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદને કારણે જાનમાલનું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે રોકાયેલી અમરનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.

રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ ચાલુ છે. શનિવારે અવિરત વરસાદ બાદ રવિવારે પણ દિવસભર જોરદાર વરસાદ વરસ્યો હતો. IMD અનુસાર રવિવારે સવારે 8.30 વાગ્યે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ઉત્તરાખંડના તમામ 13 જિલ્લામાં 13 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. ઓરેન્જ એલર્ટની સાથે સાથે તમામ જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 9 લોકોના મોત થયા છે.

દિલ્હી અને ગાઝિયાબાદ પ્રશાસને પણ ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર તમામ ખાનગી અને સરકારી શાળાઓ 10 થી 16 જુલાઈ સુધી બંધ રહેશે. ભારે વરસાદને લઇને પંજાબના લુધિયાણામાં આજે શાળાઓ બંધ રહેશે. જિલ્લાના ડેપ્યુટી કમિશનરની કચેરી દ્વારા માહિતી આપવામાં આવી છે. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે. કુલ 22 લોકોનાં મોત પણ થયા છે.

ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીની શાળાઓને પણ 10 જુલાઈ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. ગુરુગ્રામમાં આજે વરસાદના એલર્ટને કારણે જિલ્લાની ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય કોર્પોરેટ કંપનીઓને પણ ઘરેથી કામ કરવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. પંજાબના મોહાલી અને પટિયાલામાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ 10 થી 13 જુલાઈ સુધી બંધ રહેશે.

ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદને કારણે ઉત્તર રેલવેએ લગભગ 17 ટ્રેનો રદ કરવાનો અને લગભગ 12 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર, સોલન, શિમલા, સિરમૌર, ઉના, હમીરપુર, મંડી અને કુલ્લુ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદનો તાંડવ જોવા મળી રહ્યો છે. હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજ્યના ત્રણ જિલ્લા, મંડી, કુલ્લુ અને લાહૌલ સ્પીતિમાં કુલ પાંચ પુલ ધોવાઈ ગયા છે અને બિયાસ અને ચંદ્રભાગા નદીમાં વહી ગયા છે. વરસાદ સંબંધિત ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે અને ત્રણ લોકો લાપતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch