- બેંક ઓફ ઈન્ડિયા સાથે છેતરપિંડી મામલે ઈલેક્ટ્રોથર્મ સામે ED નો સકંજો
- કુલ રૂ. 81.97 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
અમદાવાદઃ ED અમદાવાદ ઝોનલ ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડના કેસમાં રૂ. 43.65 કરોડની કિંમતની જંગમ મિલકતો કામચલાઉ રીતે ટાંચમાં લીધી છે. 25 સપ્ટેમ્બરના રોજ કરાયેલી આ જપ્તીમાં યસ બેંકમાં રહેલા ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડના બે બેંક ખાતામાંથી રૂ. 25.08 કરોડ તેમજ પ્રમોટર્સ દ્વારા ધારણ કરાયેલા કંપનીના રૂ. 18.57 કરોડની કિંમતના 13,57,775 શેર્સનો સમાવેશ થાય છે.
ED ની આ તપાસ સીબીઆઈની બેંક સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ (BS&FB), મુંબઈ દ્વારા ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ અને તેના ડિરેક્ટરો સામે ભારતીય દંડ સંહિતા, 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. આ ગુનો બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યો હતો.
તપાસ અનુસાર, આરોપીઓએ વર્ષ 2007 થી 2013 વચ્ચે બેંકમાંથી મેળવેલી ક્રેડિટ સુવિધાઓના ભંડોળની ઉચાપત કરી અને અન્યત્ર વાળી દીધું હોવાનો આક્ષેપ છે. ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડનું કુલ બાકી લેણું રૂ. 631.97 કરોડ હતું, જ્યારે ખાતું પાછળથી એડલવાઈસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC) ને રૂ. 550 કરોડમાં સોંપવામાં આવ્યું હતું, જેના કારણે બેંકને રૂ. 81.97 કરોડનું નુકસાન થયું હતું.













