વોશિંગ્ટન ડીસીઃ અમેરિકન ઉદ્યોગપતિ અને સ્પેસ એક્સના વડા ઇલોન મસ્કે દાવો કર્યો છે કે યુક્રેની સેના સ્ટારલિંકનો ઉપયોગ એવા ડ્રોન હુમલાઓ માટે કરી રહી હતી, જેનો હેતુ લોકોનો જીવ લેવાનો હતો. તેમણે કહ્યું કે આ સ્ટારલિંકની સેવાની શરતોનું ઉલ્લંઘન છે, આ સુવિધામાં રહેલી ખામીને ગયા અઠવાડિયે જ સુધારી લેવામાં આવી છે. મસ્કના જણાવ્યાં મુજબ, સ્ટારલિંક એક ધંધાકીય સેવા છે, જેનો ઉપયોગ આ પ્રકારના હુમલાઓ માટે ન થવો જોઈએ. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના સંરક્ષણ માટે સ્ટારલિંક અત્યંત મહત્વપૂર્ણ છે.
મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટ દ્વારા પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે સ્ટારલિંક સામાન્ય નાગરિકો અને સંસ્થાઓની સંચાર જરૂરિયાતો પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આક્રમક ડ્રોન હુમલાઓમાં તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમના મતે, યુક્રેની સેનાએ સેવાની શરતોનો ભંગ કરીને તેનો ઉપયોગ લોકોના જીવ લેવા માટે કર્યો. મસ્કે દાવો કર્યો કે આ ખામીને ગયા અઠવાડિયે ઠીક કરી દેવામાં આવી છે.
મસ્કે સ્ટારલિંક અને સ્ટારશીલ્ડને બે અલગ-અલગ વ્યવસ્થાઓ ગણાવી હતી. તેમના જણાવ્યાં મુજબ, સ્ટારલિંક એક વ્યાવસાયિક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા છે, જ્યારે સ્ટારશીલ્ડ અમેરિકન સરકારના નિયંત્રણ હેઠળ કામ કરતી એક અલગ સિસ્ટમ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્ટારશીલ્ડનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, તે અમેરિકન સરકારનો નિર્ણય છે. મસ્કની આ ટિપ્પણી બાદ બંને પ્રણાલીઓની ભૂમિકા અને સૈન્ય ઉપયોગને લઈને ચર્ચા તેજ બની ગઈ છે.
મસ્કે એમ પણ કહ્યું કે યુક્રેનની સુરક્ષા માટે સ્ટારલિંક અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના દાવા અનુસાર, હાલમાં આ એક એવું સંચાર માધ્યમ છે, જેને જામ કરવું કે સંપૂર્ણપણે નષ્ટ કરવું ઘણું મુશ્કેલ છે. તેમણે ચેતવણી આપી કે જો યુક્રેનમાં સ્ટારલિંકની સેવા બંધ થઈ જશે તો મોરચા પર તૈનાત યુક્રેની સેનાની સ્થિતિ ઝડપથી વણસી શકે છે. મસ્કે એ પણ યાદ અપાવ્યું કે યુદ્ધના શરૂઆતના દિવસોમાં રશિયાએ યુક્રેનના સંચાર નેટવર્કને નિશાન બનાવ્યું હતું, તેવા સમયે સ્ટારલિંકે યુક્રેનને પારસ્પરિક સંપર્ક જાળવી રાખવામાં મદદ કરી હતી.
















