- બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશ દવેએ શંકરસિંહના નિવેદન પર પલટવાર કર્યો
- અલ્પેશ કથીરિયા અને પુરુષોત્તમ પીપળીયાએ પણ નિવેદન વખોડ્યું
- બાપુએ કહ્યું માફી તો કેવી માંગવાની, ગમે તેમ બોલનારાઓને ચીમકી પણ આપી
અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે. નર્મદા જિલ્લાના સાગબારા સ્થિત ખોપી ગામે આયોજિત 'વન અધિકાર સત્યાગ્રહ' દરમિયાન તેમણે અનામત અને સવર્ણ જ્ઞાતિઓને લઈને આપેલા એક નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બાપુના આ નિવેદન સામે પાટીદાર, બ્રહ્મ અને જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને વિવિધ સમાજના અગ્રણીઓએ તેમની પાસે માફીની માંગણી કરી છે.
નર્મદામાં વન અધિકાર સત્યાગ્રહને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ આક્રમક અંદાજમાં કહ્યું કે, અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું કે તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોવ જે આના (અનામતના) વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને રૂ. 50,000 નો પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો.
તેમણે આદિવાસી સમાજની પડખે ઊભા રહેતાં કહ્યું કે જંગલ-જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને આ સરકાર નકામી હોય તો તેને આંદોલન કરીને બદલી કાઢવી જોઈએ. સાથે તેમણે અલગ 'ભીલિસ્તાન' રાજ્યની માગણીને પણ પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.














