- સિંહ-દીપડાના આતંક સામે પૂર્વ મંત્રીના સરકાર પર આકરા પ્રહારો
- સિંહોના વર્તનની વૈજ્ઞાનિક તપાસ અને નીતિમાં સંતુલનની જરૂરિયાત હોવાનું જણાવ્યું
જૂનાગઢ: જૂનાગઢ, અમરેલી ગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ તથા દીપડાના માનવ વસાહતો પર વધતા હુમલાઓને પગલે માનવ-વન્યજીવ સંઘર્ષ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને પૂર્વ કૃષિમંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળાએ રાજ્ય સરકારની વન્યજીવ વ્યવસ્થાપન નીતિ સામે ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યાં છે.
તેમણે જણાવ્યું કે સિંહ અને દીપડા હવે માત્ર જંગલની સીમા પૂરતા મર્યાદિત રહ્યાં નથી, પરંતુ શિકારની શોધમાં રેવન્યું અને રહેણાંક વિસ્તારો તરફ ધસી રહ્યાં છે. પરિણામે સ્થાનિક ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામ્ય પરિવારોનો જીવ સતત જોખમમાં મુકાઈ રહ્યો છે. વન્યજીવ સંરક્ષણ જરૂરી છે, પરંતુ તેની સાથે સરકારે માનવ સુરક્ષાને પણ એટલી જ પ્રાથમિકતા આપવી જોઈએ.
પૂર્વ મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વસ્તી વધારાની સાથે વન્યજીવોનો સંઘર્ષ વધશે તેવી રજૂઆત તેમણે અગાઉ પણ કરી હતી. હવે સમય આવી ગયો છે કે સિંહોના વર્તનમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ અને માનવ પર હુમલા પાછળ કયા કારણો જવાબદાર છે, તેની નિષ્ણાતો દ્વારા તટસ્થ અને વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકાર જ્યારે નીતિ ઘડે ત્યારે ગ્રામ્ય પ્રજાના જીવના જોખમને કેન્દ્રમાં રાખવું અનિવાર્ય છે.

















