Thu,14 November 2024,11:14 pm
Print
header

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 7500 લોકોનું સ્થળાંતર, 67 ટ્રેનો રદ, ત્રણેય દળો એલર્ટ પર

Biparjoy Cyclone Updates: અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે કચ્છમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. તેની અસરને કારણે ગુજરાતના દરિયામાં ઉંચા મોજા ઉછળવા લાગ્યાં છે. દરિયાકાંઠાનું શહેર મુંબઈ હાઈ એલર્ટ પર છે, ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 7,500 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સાથે જ ત્રણેય સેનાઓ એલર્ટ પર છે. બિપરજોયના કારણે પશ્ચિમ રેલવેએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જતી 67 ટ્રેનો રદ કરી છે. કેટલીક ટ્રેનો 12 થી 15 જૂન સુધી એક અથવા વધુ દિવસો માટે રદ કરવામાં આવી છે. જેમાં દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ બંને માર્ગ, ઓખા રાજકોટ અનરિઝર્વ્ડ, અમદાવાદ-વેરાવલ એક્સપ્રેસ, ઈન્દોર-વેરાવલ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે (IMD) ભારે નુકસાનની આશંકા સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ચક્રવાત 15 જૂનના રોજ બપોરના સુમારે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. 135-145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે.

પોરબંદરથી લગભગ 290 કિમી દક્ષિણ-પશ્ચિમમાં અને જખૌ બંદરથી 360 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે. તે 15 જૂનની સાંજ સુધીમાં જાખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરે તેવી સંભાવના છે.

NDRFની ટીમો તૈનાત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને પહોંચી વળવા સરકાર-પ્રશાસન તૈયારીઓમાં લાગેલું છે. ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચક્રવાત બિપરજોયને લઈને એલર્ટ પર છે. કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી અને રાજકોટ જિલ્લામાં NDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રને વધુ ત્રણ ટીમો મોકલવા વિનંતી કરવામાં આવી હતી અને તેઓ આવી પહોંચ્યાં છે અને રાજકોટ, ગાંધીધામ અને કચ્છ ખાતે રિઝર્વમાં રાખવામાં આવશે, જેથી જરૂર પડ્યે મદદ લઈ શકાય.

મુંબઈમાં NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં ત્રણ ટીમો પહેલેથી જ તૈનાત છે. વધુ 15 ટીમો તૈયાર રાખવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યાં અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીએ તેમના જહાજો અને હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે. તેઓ રાહત, બચાવ કામગીરીમાં મદદ કરશે. ઉપરાંત એરફોર્સ અને સેનાએ પણ તેમના ટાસ્ક ફોર્સ યુનિટને મોરચા માટે સ્ટેન્ડબાય પર રાખ્યાં છે.

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 7,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અહીં 15 જૂન સુધી તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જણાવ્યું કે બીચથી 10 કિમીની ત્રિજ્યામાં આવતા ગામોના લગભગ 23,000 લોકોને કામચલાઉ કેમ્પમાં રાખવામાં આવશે. દરિયાકાંઠાના 30-31 ગામના લોકો માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યાં છે. દરેક આશ્રયસ્થાનમાં 500 લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ પહેલાથી જ મુકી દેવાયો છે.4500 માછીમારી બોટોને સુરક્ષિત રાખવામાં આવી છે.

પાકિસ્તાનમાં લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતની સરકારે બિપરજોય દરિયાકાંઠાની નજીક આવતાં જ બદીન જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. પાક. મીડિયા અનુસાર, ચક્રવાત હાલમાં કરાચીથી લગભગ 600 કિમી દક્ષિણમાં સ્થિત છે. શાહ બંદર દ્વીપમાંથી અત્યાર સુધીમાં 2,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch