Fri,01 November 2024,1:05 pm
Print
header

આપ નેતા રાઘવ ચઢ્ઢાનો દાવો, ગુજરાતમાં 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે

અમદાવાદઃ આપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગુજરાતમાં 'જૂની પેન્શન યોજના' પુન:સ્થાપિત કરવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે. આ માંગ માટે સરકારી કર્મચારીઓએ ગુજરાતના માર્ગો પર આંદોલન કર્યું છે.આ  આંદોલનનો અવાજ ભાજપના ભ્રષ્ટ નેતાઓ સુધી પહોંચાડવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં છે, પરંતુ ભાજપના લોકોએ આ સરકારી કર્મચારીઓની વાત સાંભળી નહીં.આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે 8 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સાવરણી સરકાર બનશે અને ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' લાગુ કરી દેવાશે. ભાજપની જેમ આ વાયદો માત્ર એક જુમલો નથી, અરવિંદ કેજરીવાલજીની ગેરંટી છે.

પંજાબમાં જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવામાં આવી: રાઘવ 

પંજાબમાં અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે અમે 'જૂની પેન્શન યોજના' લાગુ કરીશું, અમે તે પંજાબમાં કર્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાને માત્ર 7 મહિના થયા છે, તેમ છતાં અમે ત્યાંના તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' લાગુ કરી છે, અમે જે વચન આપ્યું હતું, તે પૂરું કર્યું છે, એટલે જ અમે ગુજરાતમાં આવીને ડંકો વગાડીને કહીએ છીએ કે 8 ડિસેમ્બરે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે જ કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' પુન: સ્થાપિત કરશે. 

ન્યૂ પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ માટે ખોટમાં ચાલી રહેલો સોદો છે. જેથી કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે, પરંતુ આમ આદમી પાર્ટી આખા ભારતમાં એકમાત્ર એવી સરકાર છે જેણે કર્મચારીઓની વાત સાંભળી છે અને પંજાબમાં 'જૂની પેન્શન યોજના' પુન:સ્થાપિત કરી છે..

પંજાબ સરકારે 18 નવેમ્બર, 2022 ના રોજ 'જૂની પેન્શન યોજના' પુન:સ્થાપિત કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતુ, હવે પંજાબના તમામ સરકારી કર્મચારીઓ 'જૂની પેન્શન યોજના'નો લાભ લઈ શકશે. ચૂંટણીનો માહોલ હોય તો અન્ય પક્ષો આ વાયદો કરી રહ્યાં છે, પરંતુ હું ગુજરાતના મતદારોને ચેતવવા માંગુ છું કે અન્ય તમામ પક્ષો તમને વચનો આપી રહ્યાં છે કે તેઓ 'જૂની પેન્શન યોજના' લાગુ કરશે, તમે જાઓ અને તેમને પૂછો કે શું તેમની અન્ય રાજ્યોમાં સરકાર છે. શું તેઓએ ત્યાં આ યોજના લાગુ કરી છે ખરી ? તમે કોંગ્રેસને પૂછો છો કે જો તમે સરકારી કર્મચારીઓના આટલા બધા શુભેચ્છક છો, તો શું તમે તમારા બાકીના રાજ્યોમાં 'જૂની પેન્શન યોજના' લાગુ કરી છે કે હતી?

આપ ગુનેગારોને જેલમાં મોકલશે

આમ આદમી પાર્ટી લોકો માટે સંઘર્ષ કરે છે, આંદોલન કરે છે. મેં લોકો માટે અવાજ પણ ઉઠાવ્યો, રસ્તા પર પોલીસની લાઠીઓ ખાધી અને મારા પર ઘણા કેસ ચાલી રહ્યાં છે. ભાજપ 27 વર્ષથી ગુજરાતમાં ઘમંડી અને ભ્રષ્ટ સરકાર ચલાવે છે. મોરબીની ઘટનાએ આ વાતનો પર્દાફાશ કર્યો છે. ઉપરથી નીચે સુધી ભાજપમાં ભ્રષ્ટાચાર છે. જો આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવશે તો તેની તપાસ કરશે અને ગુનેગારોને જેલમાં મોકલી દેશે.

અરવિંદ કેજરીવાલથી ભાજપ ડરે છેઃ રાઘવ ચઢ્ઢા

ભાજપના લોકસભાના સાંસદ મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે કેજરીવાલની આંખો ફોડવાની અને પગ તોડવાની વાતો કરી હતી. લોકોની લાગણીને ભડકાવવાનો પ્રયાસો કરવામાં આવ્યો છે. હિંસા માટે લોકોને ખુલ્લો કોલ આપવામાં આવ્યો છે. ભાજપની આ હાલત છે. આજે ભાજપ અરવિંદથી ડરે છે, આ કારણે કેજરીવાલને મારવાની વાત થઇ રહી છે. આવા જ નિવેદનોથી ભાજપના નેતાઓની માનસિકતા સામે આવી રહી છે. આવા નેતાઓએ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવવી જોઈએ, કારણ કે તેમને પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.

હું દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અપીલ કરું છું કે જે રીતે ભાજપના સાંસદો અરવિંદ કેજરીવાલને મારવાની ધમકી આપી રહ્યાં છે,  ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રીની હત્યાની વાત પણ કરી રહ્યાં છે, આવા નિવેદનોની નોંધ લઈને કેજરીવાલની સુરક્ષા વધારવી જોઈએ. દેશના કાયદા ઘડનારાઓ આવા નિવેદનો કરે છે, કોઇ મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તો આ દેશમાં કાયદા વ્યવસ્થાનું શું થશે ??

ભાજપ પર સાધ્યું નિશાન

ભાજપના નેતાનું આ નિવેદન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર અને દિલ્હીમાં એમસીડી ચૂંટણીમાં ભાજપની દુર્દશા દર્શાવે છે. આ બધું બતાવે છે કે ભાજપ ચિંતિત છે. રાજકીય ચૂંટણીના જંગમાં અરવિંદ કેજરીવાલે ભાજપને માર મારવાનું શરૂ કરી દીધું છે, ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં ભાજપ પોતાની હાર જોઇ રહી છે. ડરને  કારણે તેઓ આવા વાહિયાત નિવેદનો કરી રહ્યાં છે. અમે આવા નિવેદનોનું ખંડન કરીએ છીએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch