- કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ
- સુપ્રીમ કોર્ટમાં મહિલા પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 124 ના ક્લોઝ (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિમણૂંકનો આદેશ જારી કર્યો છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું (નોટિફિકેશન) બહાર પાડવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા તાજેતરમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલના નામને દેશની સર્વોચ્ચ અદાલતમાં પદોન્નતિ આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ ભલામણ સ્વીકારી રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યાં બાદ તેમની નિમણૂંકની સત્તાવાર જાહેરાત કરી છે.
અલ્હાબાદ હાઇકોર્ટથી શરૂઆત: જસ્ટિસ સુનિતા અગ્રવાલ લાંબી અને પ્રભાવશાળી ન્યાયિક કારકિર્દી ધરાવે છે. તેમણે અલ્હાબાદ હાઇકોર્ટમાં એક દાયકાથી વધુ સમય સુધી જજ તરીકે સેવા આપી હતી. જુલાઈ 2023માં તેમની નિમણુંક ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે થઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કેસોના ઝડપી નિકાલ, ન્યાયિક વ્યવસ્થાપન અને વહીવટી પારદર્શિતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.














