- પત્નીની તબિયત સ્થિર હોવાનો મેડિકલ રિપોર્ટ
- વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીતની છૂટ
- જોધપુર જેલમાં બંધ છે આસારામ
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામ દ્વારા પોતાની બીમાર પત્નીને મળવા માટે કરવામાં આવેલી હંગામી જામીન અરજીને ફગાવી દીધી છે. 86 વર્ષીય આસારામે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમની 83 વર્ષીય પત્ની લક્ષ્મીદેવી અમદાવાદના નરોડા ખાતે આવેલી શેલ્બી હોસ્પિટલના આઈસીયુ (ICU)માં હૃદય સંબંધિત ગંભીર સારવાર હેઠળ છે. આથી, પોલીસ જાપ્તા હેઠળ પોતાના ખર્ચે પત્નીને મળવા જવા માટે તેમને હંગામી જામીન મંજૂર કરવામાં આવે. બચાવ પક્ષના વકીલે ખાતરી આપી હતી કે આ મુલાકાત સિવાય અન્ય કોઈ હેતુ નથી અને ભૂતકાળમાં પણ જામીનની તમામ શરતોનું પાલન કરાયું હતું.
આ અરજી પર હાઇકોર્ટે પોલીસ સમક્ષ લક્ષ્મીદેવીની સાચી તબીબી સ્થિતિ અંગેનો સત્તાવાર અહેવાલ માંગ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલના એસીપી દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું કે લક્ષ્મીદેવીની સ્વાસ્થ્ય સ્થિતિ હાલ સ્થિર અને સુધારા પર છે. હોસ્પિટલમાં તેમની સારસંભાળ માટે ડોક્ટર્સ, સંબંધીઓ અને સેવકો ઉપસ્થિત છે તેમજ આગામી 2 થી 3 દિવસમાં તેમને રજા (ડિસ્ચાર્જ) પણ આપી દેવામાં આવશે.
પત્નીની સ્થિતિ ગંભીર ન હોવાનું સ્પષ્ટ થતાં અને આસારામના ભૂતકાળના વર્તનને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે હંગામી જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે, કોર્ટે માનવીય અભિગમ દાખવતા ટિપ્પણી કરી હતી કે જો આસારામ પોતાની પત્ની સાથે વાત કરવા માંગતા હોય, તો તેઓ જેલ સુપ્રિટેન્ડેન્ટને અરજી કરી શકે છે અને જેલ તંત્ર દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીતની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.













