- અગ્નિવીરો માટે 20 ટકા અનામતનો લાભ યથાવત રહેશે
- અગ્નિવીરો ગુજરાત પોલીસ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે
- સરકારના આ પગલાંથી પોલીસ ફોર્સ વધુ મજબૂત બનશે
સુરત: ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી નોકરી આપવામાં આવશે, તેમજ અગ્નિવીરો માટે 20 ટકા અનામતનો લાભ યથાવત રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને પરીક્ષા વિના સીધી ભરતી કરીને નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની સુરક્ષા માટે યુવાનીમાં સરહદો પર દિનરાત ફરજ બજાવનાર અગ્નિવીરો ગુજરાત પોલીસ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે, જેનાથી પોલીસ ફોર્સ વધુ મજબૂત બનશે. સરહદ પર વિષમ પરિસ્થિતિઓમાં અગ્નિવીરોએ બજાવેલ ફરજના અનુભવનો સીધો લાભ રાજ્યની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવામાં મળશે.
અગાઉ રાજ્ય સરકારે તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળ બનશે. વયમર્યાદામાં પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.














