- કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડી
- અમિત ચાવડા અને કિરીટ પટેલે વાઘેલાના આગમનને આવકાર્યું
- 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષમાં નવો પ્રાણ ફૂંકાય તેવી શક્યતા
ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા હલચલની શક્યતા છે. પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ફરી એકવાર કોંગ્રેસનો હાથ પકડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી લીલીઝંડી મળ્યાં બાદ આ દિશામાં કામ થઇ રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાના જૂથના લોકો સાથે છેડો ફાડી પક્ષને મોટો ફટકો આપનારા ‘બાપુ’ લગભગ 9 વર્ષના લાંબા સમય બાદ ફરી કોંગ્રેસમાં સક્રિય થવાની તૈયારીમાં છે.
શંકરસિંહ વાઘેલાના પુનરાગમન અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખુલાસો કર્યો કે, પક્ષ અને શંકરસિંહ વચ્ચે જોડાણને લઈને અત્યંત સકારાત્મક વાતચીત ચાલી રહી છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતમાં હાલ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતાં તેમણે ઉમેર્યું હતું કે, વોટ ચોરી, હિન્દુત્વના નામે રાજકારણ અને ચંદા ચોરી કરતી ભાજપની તાનાશાહીથી ત્રસ્ત થઈને અનેક નેતાઓ હવે કોંગ્રેસમાં આવશે.














