- ઓપરેશન ગંગાજળ અંતગર્ત કાર્યવાહી
- સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે CBI-ED ની તપાસ, 2011 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી
- અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા સામે સેવા સમીક્ષા બાદ આકરી કાર્યવાહી
- વહીવટી તંત્રમાં ભારે ફફડાટ
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે ઓપરેશન ગંગાજળ અંતર્ગત મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે એક જ દિવસમાં ગુજરાત કેડરના બે આઈએએસ અધિકારીઓ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાને વય નિવૃત્તિ પહેલાં જ તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. સરકારના આ આક્રમક વલણથી સનદી અધિકારીઓ અને સચિવાલયના વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રહેલા કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્શન હેઠળ હતા. વર્ષ 2018થી 2021 દરમિયાન સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળમાં અયોગ્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે હથિયાર લાઇસન્સ આપવા, સરકારી જમીનની શંકાસ્પદ ફાળવણી કરવા તેમજ સરકારી જમીન પરના દબાણો નિયમિત કરવાના બદલામાં લાંચ લીધાના ગંભીર આક્ષેપો થયા હતા.
વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓની ફરિયાદો બાદ મે 2022 માં સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી જુલાઈ 2022 માં ધરપકડ કરી હતી, જેના પગલે સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. CBI તપાસમાં કથિત મધ્યસ્થી રફીક મેમણના બેંક ખાતામાં લાંચની રકમ જમા કરાવવા અને બનાવટી ઇન્વોઇસ ઊભા કરવાના પુરાવા મળ્યાં હતા. ઉપરાંત, કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ખર્ચના ખાતામાં રૂ. 5 લાખથી રકમ વધીને અંદાજે રૂ. 5 કરોડ થઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો હતો, જેમાં લાઇસન્સ અને ક્વોરી લીઝ સંબંધિત લાંચની રકમ જમા થતી હોવાનો આક્ષેપ છે. ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૨૨ માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં તેમની કસ્ટડી લીધી હતી અને ઓક્ટોબર ૨૦૨૨માં સ્પેશિયલ PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી.













