અમદાવાદ: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખાસ કરીને અમદાવાદના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી નિષ્ઠા, સમર્પણ અને અથાક કામગીરીની સરાહના કરતાં કેકે જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કૈલા શ કાબરાએ ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કલ્યાણ અને સુખાકારી માટે રૂ. 51 લાખનું યોગદાન આપ્યું છે.
નવરાત્રિ દરમિયાન જ્યારે હજારો લોકો ગરબાના ઉત્સવમાં સહભાગી હતા, ત્યારે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આખી રાત અને વહેલી સવાર સુધી લાંબી ફરજ બજાવી વાહનોની ભારે અવરજવર તેમજ લોકોની ભીડનું વ્યવસ્થાપન કર્યું હતુ,. લોકો સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરી શકે અને શહેરમાં સરળતાથી અવરજવર કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી આ અથાક કામગીરીએ કૈલાશ કાબરાને ખૂબ પ્રભાવિત કર્યા હતા.
નવરાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીઓને સતત નિષ્ઠા અને સમર્પણ સાથે ફરજ બજાવતા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. જ્યારે આખું શહેર ઉત્સવની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે તેઓ રસ્તાઓ પર કલાકો સુધી ઊભા રહીને ટ્રાફિકનું સંચાલન કરી રહ્યાં હતા અને સૌની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યાં હતા.
આ પ્રસંગે કૈલાશ કાબરાએ જણાવ્યું કે, તેમની નિષ્ઠા અને સમર્પણભાવ જોઈને હું ખરેખર ભાવવિભોર થઈ ગયો હતો. મને લાગ્યું કે આપણા શહેર માટે નિઃસ્વાર્થ ભાવે સતત કાર્યરત રહેતા આ કર્મચારીઓ માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. આ યોગદાન તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક નાનકડો પ્રયાસ છે, સાથે જ તેમના કલ્યાણ અને સુખાકારીમાં સહભાગી થવાનો એક નાનકડો પ્રયાસ છે.

















