વોશિંગ્ટન ડીસીઃ હરિયાણાનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અમેરિકામાં ઝડપાઈ ગયો છે.હિમાંશુ પર જાણીતા યુટ્યુબર અને બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવના ઘર બહાર ફાયરિંગ કરાવવાનો આરોપ છે.તેને નીરજ બવાના ગેંગનો નજીકનો સાથી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કટ્ટર વિરોધી માનવામાં આવે છે.ઉપરાંત નીરજ ફરીદપુરિયા હરિયાણાના પલવલ જિલ્લાના ફરીદપુર ગામનો રહેવાસી છે.
23 વર્ષીય હિમાંશુ ભાઉ ઉર્ફે કુનાલ હરિયાણાના રોહતક જિલ્લાના રિટોલી ગામનો રહેવાસી છે.તેણે ગુનાની દુનિયામાં રોહતકના શાકભાજી માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી ખંડણી ઉઘરાવીને એન્ટ્રી કરી હતી.તેના પર પોતાના જ રિટોલી ગામના સની નામના યુવકની હત્યા કર્યાનો આરોપ છે.વર્ષ 2020 માં તે હરિયાણાના હિસાર સ્થિત બાળ સુધાર ગૃહમાંથી ફરાર થઇ ગયો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, બાળ સુધાર ગૃહમાંથી ભાગ્યા પછી તે જેલમાં બંધ ગેંગસ્ટર નીરજ બવાના સહિત તે વિસ્તારના અન્ય ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો.ત્યાર પછી તેણે પોતાના વિસ્તારના વેપારીઓને ધમકાવીને તેમની પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કર્યું.આગળ જતાં તેણે પોતાની અલગ ગેંગ બનાવી હતી.તેની સામે 30 થી વધુ ગુનાહિત કેસો નોંધાયેલા છે,જેમાં 16 કેસ હત્યા અને હત્યાના પ્રયાસ સાથે જોડાયેલા છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર,હિમાંશુના નામે લુકઆઉટ સર્ક્યુલર જારી થાય તે પહેલાં જ તેણે ઓગસ્ટ 2022 માં નકલી દસ્તાવેજોને આધારે બરેલીથી કુનાલ સિંહના નામે પાસપોર્ટ કઢાવી લીધો હતો અને દેશ છોડીને ફરાર થઈ ગયો હતો.














