• આજથી નવરાત્રિની શરૂઆત
  • પાસ, ટ્રેડિશનલ ડ્રેસ, ફૂડ અને ફૂલો પર મન મૂકીને ખર્ચ કરતા ખેલૈયાઓ

અમદાવાદઃ શહેરના વેપારીઓ માટે નવરાત્રિ મોટી ભેટ સમાન સાબિત થતી હોય છે. અમદાવાદીઓ મન મૂકીને નવરાત્રિની ઉજવણી કરવા તૈયાર થયા છે, ત્યારે વિવિધ વ્યવસાયો માટે ઉત્સવની મોટી આવક ઊભી થઈ છે. આજથી શરૂ થતાં ઉત્સવ દરમિયાન સમગ્ર અમદાવાદમાં આશરે રૂ3,000 કરોડનો બિઝનેસ થવાનો અંદાજ છે. બેથી ત્રણ વર્ષ પહેલાં આ બજાર અંદાજે રૂ. 2,500 કરોડનું માનવામાં આવતું હતું, જે હવે આશરે 20 ટકા વધ્યું છે, કારણ કે નવરાત્રિની ઉજવણી હવે 9 દિવસથી વધીને 12 દિવસ સુધી લંબાઈ ગઈ છે. એસ.જી. હાઈવે, શેલા, ઓગણજ અને થોળ જેવા વિસ્તારોમાં ગરબાના મેદાનો ધમધમી ઊઠ્યાં છે.  

પ્રીમિયમ કોમર્શિયલ ગરબામાં ઉત્સાહી ખેલૈયાઓ એક રાતના પાસ માટે રૂ.500 થી રૂ.10,000 સુધી ચૂકવવા તૈયાર છે. ખર્ચ માત્ર ગરબા પાસ કે સ્થળના ભાડા સુધી મર્યાદિત નથી. ચણિયા ચોળી, કુર્તા, ધોતી, મ્યુઝિક સિસ્ટમ, ખાનપાન અને મોડી રાત સુધી કેફેમાં બેસવાનો ક્રેઝ ગ્રાહકોને આકર્ષી રહ્યો છે. 

ઉપરાંત જ્વેલરી, મેકઅપ, બ્યુટી ટ્રીટમેન્ટ્સ, ફ્લાવર ડેકોરેશન અને લાઇટિંગ પણ વેપારમાં મોટો વધારો કરી રહ્યાં છે. હાઉસિંગ સોસાયટીઓ પણ ઉત્સવની પૂરજોશમાં તૈયારી કરી રહી છે, જેમાં લાઇટિંગ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, પૂજા સામગ્રી, ફૂલો અને દૈનિક નાસ્તા પાછળ ખર્ચ થઈ રહ્યો છે. કેટલીક સોસાયટીઓ તો ખેલૈયાઓ માટે સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા પણ કરી રહી છે.