- લેખિત કરાર વિના મકાન ભાડે નહીં આપી શકાય
- 3 મહિનાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ નહીં લઈ શકાય, ખાલી કર્યા બાદ ડિપોઝિટ એક મહિનામાં પરત કરવી પડશે
- મુદત પૂરી થયા પછી મકાન ખાલી ન કરનાર પાસેથી બમણું ભાડું વસૂલી શકાશે
- વિવાદોના ઝડપી નિરાકરણ માટે Rent Authority અને વિશેષ કોર્ટની રચાશે
- 60 દિવસમાં કેસના નિકાલનો પ્રયાસ રહેશે
ગાંધીનગર: ગુજરાત સરકારે રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના ભાડા નિયમન કાયદામાં પરિવર્તન લાવવાની કવાયત હાથ ધરી છે. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા વિધાનસભામાં ‘ગુજરાત રેન્ટ બિલ, 2026’ રજૂ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ નવું વિધેયક 1947ના જૂના ગુજરાત રેન્ટ્સ, હોટેલ એન્ડ લોજિંગ હાઉસ રેટ્સ કન્ટ્રોલ એક્ટનું સ્થાન લેશે અને કરાર આધારિત નવી તેમજ પારદર્શક વ્યવસ્થા ઊભી કરશે.
નવા કાયદાના અમલ બાદ લેખિત કરાર વિના કોઈ પણ મિલકત ભાડે આપી શકાશે નહીં. મકાન માલિક અને ભાડૂતે નિયત નમૂનામાં સંયુક્તપણે બે મહિનાની અંદર આ કરારની માહિતી ભાડા સત્તામંડળને આપવી પડશે, જેના માટે ખાસ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે. ઉપરાંત, ખાલી જમીનનો સમાવેશ થતો હોય તેવી ભાડાની મિલકતો માટે પણ વિશેષ જોગવાઈઓ પ્રસ્તાવિત કરાઈ છે.
જે મુજબ મકાનમાલિક ભાડૂઆત પાસેથી ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. મકાન ખાલી કર્યા પછી માન્ય કપાત બાદ ડિપોઝિટની રકમ એક મહિનાની અંદર ભાડૂઆતને પરત કરવાની રહેશે. જો કરાર પૂરો થયા બાદ ભાડૂઆત નવીનીકરણ વિના કબ્જો જાળવી રાખશે, તો તેણે માસિક ભાડા કરતાં બમણું ભાડું ચૂકવવું પડશે. જો કે, પૂર, ચક્રવાત કે યુદ્ધ જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં આપત્તિ પૂર્ણ થયા પછી એક મહિના સુધી છૂટછાટ મળશે. ભાડૂઆત મંજૂરી વગર મિલકત અન્ય કોઈને પેટા-ભાડે (સબ-લેટ) આપી શકશે નહીં.

















