નવી દિલ્હીઃ SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે INDIA ગઠબંધનનું વિરોધ પ્રદર્શન આજે સતત ત્રીજા દિવસે ઉગ્ર બન્યું છે. કોંગ્રેસે પોતાના તમામ સાંસદો અને મુખ્યમંત્રીઓને દિલ્હી બોલાવ્યાં છે. ટીએમસી અને ડાબેરી પક્ષો સહિત અનેક અન્ય વિપક્ષી દળો આ પ્રદર્શનમાં જોડાયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અટકાવાયા બાદ 6- 7 ઓક્ટોબરના પ્રદર્શન દરમિયાન થયેલી ગેરવર્તણૂકના વિરોધમાં કોંગ્રેસ આજે ‘બ્લેક ડે’ મનાવી રહી છે.
દેશમાં બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા અને તેમની સ્વાયત્તતાને લઈને એક મોટો વિવાદ છેડાઈ ગયો છે. દરમિયાન 42 પૂર્વ ન્યાયાધીશો અને નિવૃત્ત બંધારણીય અધિકારીઓએ ભારતના નાગરિકોના નામે એક ખુલ્લો પત્ર લખ્યો છે. ન્યાયાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ રાજકીય પક્ષના સમર્થક નથી, પરંતુ આજના સમયમાં સેવાયેલું મૌન એ નિષ્પક્ષતા ન હોઈ શકે. તેમનું માનવું છે કે જ્યારે દેશની પાયાની સંસ્થાઓને સતત નિશાન બનાવવામાં આવી રહી હોય, ત્યારે સામે આવીને સત્ય બોલવું અત્યંત જરૂરી બની જાય છે.
આ ખુલ્લા પત્રમાં 42 પૂર્વ ન્યાયાધીશોએ ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને અન્ય બંધારણીય સંસ્થાઓ પર થઈ રહેલા યોજનાબદ્ધ હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે સંસ્થાઓની તંદુરસ્ત ટીકા કરવી એ લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ દૂષિત ભાવનાથી તેમને બદનામ કરવી એ લોકશાહીની વિરુદ્ધ છે. મંચો પરથી બંધારણીય સંસ્થાઓને ખુલ્લેઆમ ચોર, કઠપૂતળી અને સમાધાનવાદી કહેવું અત્યંત જોખમી છે. કોઈ પણ કાનૂની પુરાવા વિના પ્રેસ કોન્ફરન્સમાં વોટ ચોરીના ઉપજાવી કાઢેલા આરોપો લગાવવામાં આવી રહ્યાં છે, જ્યારે અદાલતમાં કોઈ પુરાવા રજૂ કરવામાં આવતા નથી.
પૂર્વ ન્યાયાધીશોએ પત્રમાં આકરો પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ચૂંટણી કરાવતા નિષ્પક્ષ અધિકારીઓને ખુલ્લેઆમ ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યાં છે, તેમજ સત્તા બદલાવા પર બદલાની કાર્યવાહીની ધમકીઓ આપવામાં આવી રહી છે. કોઈ પણ કોર્ટે આ આરોપોને ક્યારેય સાચા ઠેરવ્યાં નથી. જ્યારે ચૂંટણી પંચ સોગંદનામું માંગે છે, ત્યારે કોઈ આગળ આવતું નથી. માત્ર હાર બાદ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર દોષ ઢોળવામાં આવે છે, જ્યારે એ જ મશીનોથી મળેલી જીત પર કોઈ સવાલ ઉઠાવતું નથી. દાયકાઓ સુધી શાસન કરનારા પક્ષો હવે એ આખી ચૂંટણી પ્રક્રિયાને ગેરરીતિપૂર્ણ ગણાવી રહ્યાં છે, જેણે તેમને સત્તા આપી હતી.













