- ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપી અડપલાં કરતો હતો
- બુક ભૂલી જવાના બહાને ફ્લેટ પર લઈ જઈને આચર્યું દુષ્કર્મ
- પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રાજકોટઃ શહેરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટની એક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે 14 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને ગણિત વિષયમાં સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતુ, બનાવ સંદર્ભે પીડિત સગીરાના પરિવારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
રાજકોટની સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મોહિત ટાંકની ધરપકડ કરાઇ છે. ફરિયાદમાં જણાવ્યાં મુજબ, શિક્ષકે વિદ્યાર્થિનીને ગણિત વિષયમાં સારા માર્ક્સ અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ જ્યારે પણ સગીરા ક્લાસરૂમમાં એકલી હોય ત્યારે તેની સાથે અડપલાં અને અયોગ્ય વર્તન કરતો હતો. વિદ્યાર્થિની જ્યારે આ અયોગ્ય હરકતોનો વિરોધ કરતી હતી, ત્યારે શિક્ષક તેને પરીક્ષામાં અને ગણિત વિષયમાં નાપાસ કરી દેવાની ધમકી આપીને ડરાવતો હતો.
આરોપી શિક્ષકની હરકતો અહીં જ અટકી ન હતી. ફરિયાદ મુજબ ગત તા. 9 જાન્યુઆરી, 2026 ના રોજ શિક્ષકે સગીરાને જણાવ્યું હતું કે તેની બુક તે ભૂલી ગયો છે. આ બહાનું આગળ ધરીને તે સગીરાને પોતાના ફ્લેટ પર લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની લાચારીનો ગેરફાયદો ઉઠાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સતત ભય અને માનસિક ત્રાસ હેઠળ જીવતી સગીરાએ આખરે હિંમત દાખવીને સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી.

















