Sat,21 September 2024,5:52 am
Print
header

રિલાયન્સની AGMમાં અનેક મોટી જાહેરાતો, ગણેશ ચતુર્થીથી Jio Air Fiber થશે લોન્ચ

મુંબઇઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક AGM  યોજાઈ હતી.દરમિયાન રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા અનેક મોટી જાહેરાતો કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના વડા નીતા અંબાણીએ બોર્ડમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની જવાબદારીઓ વધારી દેવામાં આવી છે.

ઈશા-આકાશ અને અનંત અંબાણી બોર્ડમાં

રિલાયન્સ એજીએમ 2023ને સંબોધતા મુકેશ અંબાણીએ ગ્રુપ બોર્ડમાં નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી હતી.તેમણે માહિતી આપી હતી કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની બોર્ડમાં નિમણૂંક કરી છે. નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે. આ નિમણૂંક શેરધારકોની મંજૂરીથી જ અસરકારક બનશે.આ સિવાય નીતા અંબાણી બોર્ડથી અલગ હશે.

મુકેશ અંબાણી પાંચ વર્ષ સુધી ચેરમેન રહેશે

એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ સ્પષ્ટ કર્યું કે તેઓ આગામી 5 વર્ષ સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે તેમની પાસે ત્રણ જવાબદારીઓ છે, જેમાં આગામી પેઢીના લીડર્સને તૈયાર કરવાનું, સશક્તિકરણ, આકાશ-ઈશા અને અનંતને માર્ગદર્શન આપવું અને રિલાયન્સની અનન્ય સંસ્થાકીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવાનો સમાવેશ થાય છે.

ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે

મુકેશ અંબાણીએ તેમના સંબોધનની શરૂઆત 15 ઓગસ્ટ 2023ના સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સંદેશ સાથે કરી હતી. તેમણે કહ્યું કે ભારત થાકતું નથી, અટકતું નથી અને હાર માનતું નથી. મુકેશ અંબાણીના મતે દેશ ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યો છે. એવી અપેક્ષા છે કે વર્ષ 2047 સુધીમાં ભારત સંપૂર્ણ વિકસિત દેશ બની જશે.

ડિસેમ્બર સુધીમાં Jio 5G (વાયરલેસ) રોલઆઉટ

રિલાયન્સ AGM 2023માં કરવામાં આવેલી મોટી જાહેરાતોમાંની એક Jio 5G વિશે હતી. મુકેશ અંબાણીએ કહ્યું કે ડિસેમ્બર 2023 સુધીમાં આ સેવા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે Jio પાસે દેશમાં 85 ટકા 5G સેવા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. આ સિવાય સૌથી વધુ પોસ્ટપેડ ગ્રાહકો પણ Jio પાસે છે.મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે Jio 5Gનું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપનીનું સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.

ગણેશ ચતુર્થી પર 'Jio Air Fiber' લોન્ચ

Jioના એર ફાઈબરની રાહ પૂરી થઈ ગઈ છે. મુકેશ અંબાણીના જણાવ્યાં અનુસાર, આ સર્વિસ ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ કરવામાં આવશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને Jio ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. Jio Air Fiberના લેન્ડિંગને કારણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ઉથલપાથલ થવાની સંભાવના છે. Jio Air Fiberની મદદથી તમને વાયર વગર ફાઈબર જેવી હાઈ સ્પીડ મળશે. Jio Air Fiberની મદદથી 5G નેટવર્ક અથવા વાયરલેસ બ્રોડબેન્ડ સેવા ઘર અને ઓફિસ પર ઉપલબ્ધ થશે.

Jio Finની એન્ટ્રી વીમા ક્ષેત્રમાં થશે

Jio Financial Services નો રોડમેપ રજૂ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Fin વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે, આ માટે વૈશ્વિક લીડર્સ સાથે ભાગીદારી કરવામાં આવશે. Jio ફાઈનાન્સિયલ સર્વિસ દ્વારા 142 કરોડ ભારતીયોને નાણાંકીય સેવાઓ પૂરી પાડવામાં આવશે. Jio ફાયનાન્સિયલ સર્વિસ બ્લોકચેન અને CBDT આધારિત પ્રોડક્ટ્સ લોન્ચ કરશે, જેમાં જીવન અને સ્વાસ્થ્ય વીમો સામેલ હશે.

ભારત ઉર્જા નિકાસકાર બનશે

રિલાયન્સ પાસે ભારતને નેટ એનર્જી ઈમ્પોર્ટરમાંથી એનર્જી એક્સપોર્ટર બનવાની તક છે. મુકેશ અંબાણીના જણાવ્યાં અનુસાર  જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.અમારી પ્રાથમિકતા સોલાર પીવી મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને પૂર્ણપણે સંકલિત બનાવવાની છે. આ સાથે વર્ષ 2026 સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

2035 સુધીમાં નેટ કાર્બન શૂન્ય લક્ષ્ય

મુકેશ અંબાણીએ કહ્યું કે 2035 સુધીમાં અમે નેટ કાર્બન ઝીરોના લક્ષ્ય તરફ કામ કરી રહ્યાં છીએ. આ માટે ગ્રીન એનર્જી ઝડપથી વિકસાવવામાં આવી રહી છે. અમારો ટાર્ગેટ કાર્બન ફાઈબરમાં વિશ્વની ટોચની ત્રણ કંપનીઓમાં સામેલ થવાનો છે. આપણે અશ્મિભૂત બળતણમાંથી ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યાં છીએ. આવનારા કેટલાક વર્ષો આપણા માટે પરિવર્તનકારી હશે.

AI મોડલથી ભારતને ફાયદો થશે

મુકેશ અંબાણીએ કહ્યું કે Jio પ્લેટફોર્મ ભારત-વિશિષ્ટ AI મોડલ્સ વિકસાવવા માંગે છે, જેનો ફાયદો ભારતને થશે. અમારો ધ્યેય એઆઈને દેશના દરેક વ્યક્તિ સુધી લઈ જવાનો છે. અમે ટેલિકોમમાં આ કર્યું છે અને અમને આશા છે કે અમે AI માં પણ સફળ થઈશું.

Jio Bharat UPI ને સપોર્ટ કરશે

મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો ભારતના નાના વેપારીઓને સપોર્ટ કરશે. તેનું UPI એકીકરણ પણ સરકારી સમર્થન મેળવવામાં મદદરૂપ થશે. તે વર્તમાન કિંમત કરતા 30 ટકા સસ્તું થશે. રિલાયન્સ જિયોએ ફરી એકવાર દેશને 2G મુક્ત કરવાનું વચન આપ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch