(AI Image)
- પત્નીના પ્રેમસંબંધ અને મોતના આઘાતમાં મનપા કર્મી પતિ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો
- 2 વર્ષના લગ્નજીવનનો કરૂણ અંત
- બે માસૂમ બાળકો નોધારા બન્યાં
સુરત: વરાછા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ત્રણ દિવસ અગાઉ પત્નીએ પોતાના સાથી કર્મચારી એવા પ્રેમી સાથે તાપી નદીના કિનારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. પત્નીના આપઘાત અને તેના આડાસંબંધના ખુલાસાથી ઊંડા આઘાતમાં સરી પડેલા 40 વર્ષીય પતિએ પણ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માતા અને પિતા બંનેના એક પછી એક આપઘાતને પગલે બે માસૂમ સંતાનોએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વરાછા લાભેશ્વર ભવન નજીક રહેતા સિદ્ધાર્થ ખેરનાર સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં નોકરી કરતા હતા. તેમની 29 વર્ષીય પત્ની ખુશ્બુ મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ સફાઈ કામ માટે નીકળી હતી, પરંતુ સાંજ સુધી પરત ન ફરતાં ચિંતિત પતિએ તેને ફોન કર્યો હતો. ફોન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપાડી જણાવ્યું કે એક મહિલા અને પુરુષ વરીયાવ બ્રિજ નીચે સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે બેભાન હાલતમાં પડ્યાં છે.

















