શિંગ્ટનઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાય દુબઈ ઘટના અંગે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટ દ્વારા નિષ્ફળ આતંકવાદી હુમલા માટે ઈરાનને જવાબદાર માને છે. વ્હાઇટ હાઉસ સંકુલમાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે કહ્યું, હા,હું વ્યક્તિગત રીતે એવું માનું છું.

ટ્રમ્પનું આ નિવેદન 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાય દુબઈ ફ્લાઇટ FZ1073 ને હાઇજેક અને ક્રેશ કરવાના નિષ્ફળ કાવતરા બાદ આવ્યું છે. ફ્લાઇટ દરમિયાન, ઓમાની કો-પાયલોટ હુમામ અલ-હમ્મામીએ કોકપીટની અંદર ભારતીય કેપ્ટન સ્મિત માચ્છર પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો.

અહેવાલો અનુસાર, હુમલાખોર કો- પાયલટની યોજના કેપ્ટન માચ્છરને બેઅસર કરીને વિમાન પર નિયંત્રણ મેળવવાની હતી. તેનો હેતુ ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર લેન્ડિંગ ક્લિયરન્સ મેળવવાનો અને વિમાનને ઇમારત અથવા પાર્ક કરેલા વિમાન સાથે અથડાવાનો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં ભારતીય કેપ્ટન સ્મિત માચ્છરે હિંમત બતાવી હતી. તે અંદરથી કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યાં હતા, ત્યાર બાદ ફરજ પરના મુસાફરો અને ક્રૂ સભ્યો કોકપીટમાં પ્રવેશ્યા અને હુમલાખોરને કાબુમાં લીધો હતો.