- આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યાં
- તપાસ દરમિયાન અનેક ઘટસ્ફોટ થઈ શકે છે
મુંબઈઃ બોલિવુડ એક્ટર ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગના કેસમાં હથિયારો સપ્લાય કરનારાઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે હથિયારોની સપ્લાય કરવાની ઉત્તર પ્રદેશની બે મહિલાઓ રાધા અને બબીતાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર, હથિયારોનો આ જથ્થો પહોંચાડવામાં આ બંને મહિલાઓની મહત્ત્વની ભૂમિકા સામે આવી છે. એવો આરોપ છે કે બંને મહિલાઓએ ટ્રેન મારફતે પિસ્તોલ મુંબઈ પહોંચાડી હતી.
આ કેસમાં બંને મહિલાઓની સાથે હરિયાણાના સોનીપત સ્થિત રોહણા ગામના રહેવાસી કુણાલ અને તેના જ ગામના સુમિતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મુજબ, આ ચારેય પર હથિયારોની સપ્લાય સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. હવે પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરીને હથિયાર સપ્લાય સાથે જોડાયેલી કડીઓ મેળવવામાં લાગી ગઈ છે.
બીજી તરફ, સોનીપતના રોહણા ગામમાં કુણાલના પરિવાર સાથે જોડાયેલી વિગતો સામે આવી છે. પરિવાર તરફથી મળેલી માહિતી અનુસાર, કુણાલ હોટેલમાં નોકરી કરતો હતો અને તેણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના માતા- પિતા એક ખાનગી કંપનીમાં કામ કરે છે. કુણાલની દાદી માયાએ જણાવ્યું કે તેને વારંવાર સમજાવવામાં આવતો હતો, પરંતુ તે કોઈનું સાંભળતો ન હતો.













