અમદાવાદઃ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ ગુજરાત વધુ મજબૂત સાબિત થઈ રહ્યું છે. ACB ની હેલ્પલાઈન પર દર મહિને આવતા સરેરાશ 350 કોલ્સમાંથી 80 ટકા કોલ્સ ગામડાંઓમાંથી આવે છે.

ગ્રામીણ ફરિયાદીઓ પોતાના આક્ષેપો પર અડગ રહે છે અને તપાસ અધિકારીઓને પૂરો સહકાર આપે છે. જ્યારે શહેરોના ઘણા કિસ્સામાં કેસ બાદ ઘણી વખતે ફરિયાદી પણ ફરી જતા હોય છે.
ACB ના એક ઉચ્ચ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું  કે, અમને ગ્રામીણ વિસ્તારોના ફરિયાદીઓમાં વધુ મક્કમતા જોવા મળી છે. તેઓ એ વાત પર દ્રઢ રહે છે કે તેઓ કામ કરાવવા માટે લાંચ આપવા તૈયાર નથી. એવું નથી કે શહેરી ફરિયાદીઓ સહકાર આપતા નથી, પરંતુ તેઓ ક્યારેકને ક્યારેક ખચકાટ અનુભવતા હોય છે. અમે અમારી હેલ્પલાઇન 1064 દ્વારા તેમને ફરિયાદ પર મક્કમ રહેવા સતત માર્ગદર્શન આપીએ છીએ. અમે ટ્રેપની કાર્યવાહી અને તે પછીની તપાસ દરમિયાન તેમની સુરક્ષાની પણ ખાતરી આપીએ છીએ.

1 જાન્યુઆરીથી 15 જૂન, 2026 દરમિયાન ગુજરાતમાં 126 આરોપીઓ સામે 83 ભ્રષ્ટાચારના કેસ નોંધાયા હતા. તપાસકર્તાઓએ રૂ. 75.71 લાખથી વધુની લાંચની રકમ પકડી પાડી હતી.  ઉપરાંત, વચેટિયા તરીકે કામ કરતા અન્ય 36 ખાનગી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.