મુંબઈઃ બિગ બી અમિતાભ બચ્ચનના જલસા બંગલાને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેથી મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ધમકીભર્યા ઈમેલમાં બિગ બીના ઘરને નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે. ઉપરાંત બીએમસી ઓફિસને પણ નિશાન બનાવવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી પોતાની સુરક્ષાને લઈને ફિલ્મી સિતારાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. 14 એપ્રિલ 2024ની સવારે સલમાન ખાનના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલા ગોળીબારની ઘટના બાદ આ સિલસિલો હજુ સુધી અટક્યો નથી. સતત ફિલ્મી હસ્તીઓને જાતજાતની ધમકીઓ મળી રહી છે. હાલના દિવસોમાં અમિતાભ બચ્ચનને પણ ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે.
મુંબઈના મેયર ઋતુ તાવડેની ઓફિસને મોકલવામાં આવેલા ઈમેલમાં મુંબઈ મહાનગરપાલિકા હેડક્વાર્ટર અને અમિતાભના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની વાત કહેવામાં આવી છે. ઈમેલ સામે આવ્યા બાદથી જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મામલાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલમાં અમિતાભ બચ્ચનના બંગલા ઉપરાંત અન્ય કેટલીક જગ્યાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ ઈમેલ મોકલનારની ઓળખ કરવામાં લાગી ગઈ છે. હાલ, આ ધમકીની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે.
આ ધમકી સાથે જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ BMC ઓફિસ પહોંચી હતી અને પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. અમિતાભ બચ્ચનને જ્યારે પહેલીવાર ધમકી આપવામાં આવી હતી ત્યારે પણ તેમના ઘર 'જલસા'ને ઉડાવી દેવાની વાત કહેવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે ચાહકો સાથેની મુલાકાત દરમિયાન અમિતાભ સાથે કડક સુરક્ષા હતી. તેઓ બુલેટપ્રૂફ કાચની પાછળ ઊભા રહીને પોતાના ચાહકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. જ્યારે બીજી વખત બિગ બીને ધમકી મળી ત્યારે તેમાં અમિતાભની સાથે-સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચનનું નામ પણ સામેલ હતું. આ વખતે ગોલ્ડી ધિલ્લોનના નામથી એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, જેટલી મરજી હોય એટલી બુલેટપ્રૂફ કેબિન બનાવી લે, કંઈ પણ કરી લે, બંને બાપ-દીકરાને મારીશું. બુલેટપ્રૂફમાં જ મારીશું.
આ ધમકીઓને લઈને પોલીસ હાલ એક્શનમાં છે. ખતરાને પારખીને જલસાની બહાર સિક્યોરિટી ગાર્ડની સાથે મુંબઈ પોલીસના હથિયારધારી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘરની બહારની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

















