'007 બનવું જીવનભરનું સન્માન છે': રોબર્ટ પેટિન્સન
જેમ્સ બોન્ડ જેવી પ્રતિષ્ઠિત ભૂમિકા મળતાં રોબર્ટ પેટિન્સને ખુશી વ્યક્ત કરી હતી. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે જેમ્સ બોન્ડ સિનેમાના સૌથી યાદગાર અને દિગ્ગજ પાત્રોમાંનું એક છે. આ પાત્ર ભજવવાની જવાબદારી મળવી તેના માટે જીવનભરનું સન્માન છે.
પેટિન્સને વધુમાં કહ્યું કે આ ભૂમિકા તેના માટે સપનું સાકાર થવા જેવી છે અને તે દિગ્દર્શક ડેનિસ વિલેન્યુવ તથા સમગ્ર ટીમ સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે.
નવા બોન્ડની પસંદગી માટેની પ્રક્રિયામાં જોશ ઓ'કોનોર, કેલમ ટર્નર, જેક લોડેન અને નિકોલસ હોલ્ટ જેવા અભિનેતાઓનાં નામ પણ ચર્ચામાં હતાં. જોકે,આખરે પેટિન્સનને આ પ્રતિષ્ઠિત ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો.
ડેનિસ વિલેન્યુવના હાથમાં ફિલ્મનું નિર્દેશન, સ્ટીવન નાઈટ લખશે સ્ક્રિપ્ટ
આગામી જેમ્સ બોન્ડ ફિલ્મ માત્ર નવા અભિનેતાને કારણે જ નહીં, પરંતુ તેની દિગ્ગજ ક્રિએટિવ ટીમને કારણે પણ ખાસ બની રહી છે.
દિગ્દર્શક: ડેનિસ વિલેન્યુવ, જેમણે 'Dune' અને 'Arrival' જેવી ફિલ્મો બનાવી છે.
લેખક: સ્ટીવન નાઈટ, જે 'Peaky Blinders' માટે જાણીતા છે.
નિર્માતા: એમી પાસ્કલ અને ડેવિડ હેમેન.
એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર: તાન્યા લાપોઇન્ટ.
ડેનિસ વિલેન્યુવે પેટિન્સનનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે તેનામાં જેમ્સ બોન્ડનો આત્મા છે અને તે આ પાત્રમાં એક નવી ઊર્જા ઉમેરશે. આ ફિલ્મ જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઇઝીની 26મી સત્તાવાર ફિલ્મ હશે. ફિલ્મનું શૂટિંગ 2027માં શરૂ થવાની અપેક્ષા છે, જ્યારે 2028માં તેની રિલીઝ થવાની શક્યતા છે. જોકે, રિલીઝની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
'Twilight'થી 'The Batman' સુધીની સફર, હવે 007 બનશે પેટિન્સન
રોબર્ટ પેટિન્સનની કારકિર્દી અનેક મોટા પડાવોથી પસાર થઈ છે. વર્ષ 2005 માં 'Harry Potter and the Goblet of Fire'માં સેડ્રિક ડિગોરીની ભૂમિકા ભજવી તેણે ફિલ્મી દુનિયામાં ઓળખ મેળવી હતી.ત્યારબાદ 'Twilight'ફિલ્મ સિરીઝમાં એડવર્ડ કલેનના પાત્રથી તે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યો હતો. જો કે,પેટિન્સને પોતાની અભિનય ક્ષમતાને માત્ર રોમેન્ટિક ફિલ્મો પૂરતી મર્યાદિત રાખી ન હતી.
'The Lighthouse', 'Good Time' અને 'Tenet' જેવી ફિલ્મોમાં તેના અભિનયની નોંધ લેવાઈ હતી. વર્ષ 2022માં 'The Batman'માં બ્રુસ વેઇનનું પાત્ર ભજવી તેણે ફરી એકવાર સાબિત કર્યું કે તે મોટા સુપરહીરો અને એક્શન પાત્રો માટે પણ યોગ્ય છે.
અત્યાર સુધી કયા 6 અભિનેતાઓ બની ચૂક્યા છે જેમ્સ બોન્ડ?
1962માં આવેલી 'Dr. No'થી શરૂ થયેલી જેમ્સ બોન્ડ ફિલ્મોની સફરમાં અત્યાર સુધી છ અભિનેતાઓએ સત્તાવાર રીતે એજન્ટ 007ની ભૂમિકા ભજવી છે. હવે પેટિન્સન આ યાદીમાં સાતમા અભિનેતા તરીકે જોડાશે.
શોન કોનેરી: 1962માં 'Dr. No'થી બોન્ડ તરીકે શરૂઆત કરી અને કુલ છ સત્તાવાર ફિલ્મોમાં જોવા મળ્યા.
જ્યોર્જ લેઝેનબી: 1969માં 'On Her Majesty's Secret Service'માં માત્ર એક જ વખત બોન્ડ બન્યા.
રોજર મૂર: 1973થી 1985 દરમિયાન કુલ સાત ફિલ્મોમાં 007ની ભૂમિકા ભજવી.
ટિમોથી ડાલ્ટન: 1980ના દાયકાના અંતમાં બે ફિલ્મોમાં જેમ્સ બોન્ડ બન્યા.
પિયર્સ બ્રોસ્નન: 1995ની 'GoldenEye'થી શરૂઆત કરીને ચાર ફિલ્મોમાં આ પાત્ર ભજવ્યું.
ડેનિયલ ક્રેગ: 2006ની 'Casino Royale'થી 2021ની 'No Time to Die' સુધી કુલ પાંચ ફિલ્મોમાં બોન્ડ બન્યા.