• ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી 
  • 11 ઓક્ટોબરે ફૂટબોલ ગ્રાઉન્ડ પર ત્રણ શંકાસ્પદ શખ્સો જોવા મળ્યાં હતા

મુંબઈઃ ટાઈગર શ્રોફ પર ગોળીબાર કરનારા શૂટરો એક અઠવાડિયા પહેલાં પણ તેને મારવા માટે પહોંચ્યાં હતા. પરંતુ તે દિવસે ટાઈગર ફૂટબોલ રમવા ગયો ન હતો. સીસીટીવી ફૂટેજ અને કોલ ડેટા રેકોર્ડ્સ પરથી આ માહિતી સામે આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટાઈગર જે ફૂટબોલ ગ્રાઉન્ડ પર સામાન્ય રીતે રવિવારની સાંજે રમવા જાય છે, ત્યાં 11 ઓક્ટોબરે પણ ત્રણ શંકાસ્પદ શખ્સો જોવા મળ્યાં હતા. તેના લગભગ એક અઠવાડિયા પછી એ જ ત્રણ લોકો ફરી તે જ સ્થળે પહોંચ્યાં હતા. આ વખતે ટાઈગર મેદાનમાં હાજર હતો અને જેવો તે પોતાની બીએમડબ્લ્યુ કારમાં સવાર થઈને બહાર નીકળ્યો, તેના પર અંધાધૂંધ ગોળીબાર કરી દેવાયો હતો. ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ટાઈગરના એક મિત્રએ જણાવ્યું હતું કે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા નરસી પાર્કના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ટાઈગર સામાન્ય રીતે દર રવિવારે સાંજે 5 થી 7 વાગ્યા સુધી ફૂટબોલ રમે છે. એવું ભાગ્યે જ બને છે કે તે રવિવારની મેચ ચૂકી જાય.

હુમલાખોરોને ટાઈગરના આ રોજીંદા ક્રમની સંપૂર્ણ માહિતી હતી. 11 ઓક્ટોબરે ત્રણેય શંકાસ્પદો આ ફૂટબોલ ગ્રાઉન્ડની આસપાસ જોવા મળ્યાં હતા. સીસીટીવી અને કોલ ડેટા રેકોર્ડ્સ પરથી પોલીસને જાણવા મળ્યું કે તેઓ ત્યાં થોડા સમય માટે હાજર હતા. પોલીસને આશંકા છે કે તે દિવસે પણ તેમનો પ્લાન  ટાઈગરની હત્યાનો હતો. પરંતુ તે રવિવારે ટાઈગર ફૂટબોલ રમવા ગયો જ ન હતો.

તેના એક અઠવાડિયા બાદ 18 ઓક્ટોબરની તારીખ આવી. આ વખતે ત્રણેય શંકાસ્પદો ફરી તે જ જગ્યાએ પહોંચ્યાં હતા. સીસીટીવી મુજબ, તેઓ સાંજે લગભગ સાડા ચાર વાગ્યાથી પાર્કની આસપાસ આંટાફેરા કરી રહ્યાં હતા. વારંવાર ફૂટબોલ ગ્રાઉન્ડના દરવાજા સુધી જતા, અંદર નજર નાખતા અને ટાઈગરના આવવાની રાહ જોતા દેખાયા હતા. પોલીસને શંકા છે કે અન્ય કેટલાક લોકો પણ ટાઈગરની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યાં હતા અને યોગ્ય સમયે શૂટરોને માહિતી આપી રહ્યાં હતા.