(હાર્દિક ધોળકિયા)
રાજકોટઃ શહેરના ગોપાલ ચોક નજીક આવેલી સોમનાથ સોસાયટી શેરી નંબર 2 માં મિલકતના ભાગ બાબતે થયેલા ઝઘડામાં ડબલ મર્ડરની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કૌટુંબિક મિલકતમાં હિસ્સો માંગતા ઉશ્કેરાયેલા કૌટુંબિક ભત્રીજાએ તેના જ બે સગા કાકાઓ પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હિંસક અથડામણમાં સામા પક્ષે હુમલાખોર ભત્રીજો પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુનિવર્સિટી પોલીસે બંને મૃતક ભાઈઓના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બંને પક્ષોની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
19 જુલાઈની રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. પ્રથમ ફરિયાદ મૃતકના પુત્ર લાખાભાઈ સુરેશભાઈ ધોળકીયાએ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, મોડી રાત્રે તેમના કાકા રાજેશભાઈનો ફોન આવ્યો હતો કે કૌટુંબિક ભત્રીજો હાર્દિક ધોળકિયા તેમના ઘર પાસે આવીને ગાળાગાળી કરી રહ્યો છે.
જેથી લાખાભાઈ અને તેમના પિતા સુરેશભાઈ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. તે સમયે હાર્દિક ઉગ્ર થઈને ગાળો બોલી રહ્યો હતો. પરિવારના સભ્યો તેને શાંત પાડવા અને ગાળો ન બોલવા સમજાવવા નજીક ગયા, ત્યારે જ હાર્દિકે ઉશ્કેરાઈને કહ્યું, અમારો ભાગ કેમ આપતા નથી ? તેમ કહી પોતાની પાસે રહેલી છરી કાઢી સુરેશભાઈના છાતીના ભાગે ઝીંકી દીધી હતી, જેથી તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.













