યુકે: વણસોલ 27 પાટીદાર સમાજ UK દ્વારા શનિવાર, 3 ઑક્ટોબર 2026ના રોજ પ્રી-નવરાત્રી 2026 નિમિત્તે પરંપરા, સંસ્કૃતિ, પરિવાર, એકતા અને ઉત્સાહના સુંદર સમન્વય સાથે ભવ્ય નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5:30થી રાત્રે 10:30 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં 350 થી વધુ સમાજબંધુઓ અને પરિવારજનોને માઁ અંબાની આરાધના સાથે નિઃશુલ્ક ગરબા રમવાનો  અવસર મળ્યો હતો. દાતાશ્રીઓના ઉદાર સહયોગથી સમગ્ર કાર્યક્રમનો કુલ ખર્ચ 10 હજાર પાઉન્ડથી વધુ થયો હતો, જેની જવાબદારી દાતાઓએ ઉઠાવી હતી. 

કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના અને માતાજીની આરતીથી કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળકો માટે ગરબા અને વિવિધ સ્પર્ધાઓ, બાળાઓ તથા માતાઓ માટે ગરબા, ત્યાર બાદ  સમગ્ર પરિવાર માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા દરમિયાન વિવિધ સ્પર્ધાઓનાં ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક ગરબા મહોત્સવમાં સ્પર્ધાનાં નવ ઇનામો માટે ગમડીગામના સંજયભાઈ પટેલે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા માટે ગામ રતનપુરાના વિમલભાઈ પટેલ અને  જાનવીબેન પટેલે ઉદાર હાથે દાન આપ્યું હતું. હોલ બુકિંગ માટે ગામ સુરાશામળના ધર્મેશકુમાર ચંદ્રકાંતભાઈ પટેલે સહયોગ આપ્યો હતો. 

સમાજની એક દાતા દિકરીએ પોતાનું નામ જાહેર ન કરવાની ઇચ્છા સાથે મૌન રહીને દાન આપ્યું હતું. ડીજે, મ્યુઝિક અને લાઇટિંગની સેવા ગામ જિટોડિયાના સમીરભાઈ પટેલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી, ફોટોગ્રાફીની જવાબદારી ગામ લિંગડાના મિહિરભાઈ પટેલે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્કિંગ ટીમ, પ્રવેશ વ્યવસ્થા ટીમ, સ્ટેજ ટીમ, સેલ્ફી પોઇન્ટ ટીમ, હોલ વ્યવસ્થાપન ટીમ તેમજ કાર્યક્રમ પહેલાં અને પછી સફાઈની જવાબદારી સંભાળતી ટીમ સહિત વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી. તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક સેવા આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

કાર્યક્રમના અંતે દાતાશ્રીઓ, નિર્ણાયક મંડળના સભ્યો અને સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ વતી દાતાશ્રીઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને તેમને ફૂલોના ગુલદસ્તા અર્પણ કરવામાં આવ્યાં હતા. દાતાઓના સહયોગ અને સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાથી યુકેમાં વસતા સમાજબંધુઓને એકસાથે મળી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો હતો. વણસોલ 27 પાટીદાર સમાજ UKનો આ પ્રી-નવરાત્રી નિઃશુલ્ક ગરબા મહોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં, પરંતુ સમાજની એકતા, સહકાર, સેવાભાવ અને પરસ્પર લાગણીનું પ્રતિક બની રહ્યો હતો. સમગ્ર આયોજનમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, સમાજના સભ્યો અને સ્વયંસેવકોનો સમાજ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.